- અફ્ઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર
- દર થોડા થોડા સમયે થાય છે બ્લાસ્ટ
- નિર્દોષ લોકો ગુમાવી રહ્યા છે જીવ
દિલ્હી :અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના સ્પિન બોલ્ડાક વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ સ્થિતિ સતત બગડી રહી છે આવી વાતો વિશ્વભરના દેશોના જાણકારો અને એક્સપર્ટ લોકો કરી રહ્યા છે. જે રીતે દેશમાં ભૂખમરો, અરાજકતા, બેરોજગારી અને બોંબ બ્લાસ્ટ જેવી દૂર્ઘટનાઓ બની રહી છે તેને જોતા લોકો અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જોઈ રહ્યા છે.
મસ્જિદમાં થયેલા બોંબ બ્લાસ્ટ વિશે તાલિબાનના એક અધિકારીએ હુમલાની પુષ્ટિ કરી છે અને સમાચાર એજન્સીને જણાવ્યું અફઘાનિસ્તાનના અશાંત નંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે અને તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં અનેક હુમલા થયા છે. આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટનો હાથ છે.
આ પહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મિલિટરી હોસ્પિટલની સામે નાગરિકોને નિશાન બનાવીને મંગળવારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ મીડિયાને જણાવ્યું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર થયો હતો.