- હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ
- અત્યાર સુધીમાં 14 લોકોના મોત
- મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ
દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે.
અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના ઈમામ અને મૌલવી મુજીબ રહેમાન અંસારીના મોતના સમાચાર છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે,આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને તેની સંખ્યા હજુ વધવાની શક્યતા છે.
આ ઘટના શુક્રવારે અફઘાનિસ્તાનના હેરાતમાં બની હતી, જ્યારે લોકો નમાજ માટે મસ્જિદમાં એકઠા થયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે,આ આત્મઘાતી હુમલો છે.આ હુમલામાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરગાહ મસ્જિદની અંદર રહેલા મૌલવી મુજીબ રહેમાન અન્સારીનું મૃત્યુ થયું છે.તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.