Site icon Revoi.in

દિલ્હીના રોહીણીમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સ્થિત વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી છે. શાળા પ્રશાસને શાળાને ખાલી કરાવી દીધી છે. મેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો દરમિયાન સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે તંત્ર દોડતુ થઈ ગયું છે.  આ પહેલી ઘટના નથી જ્યારે દિલ્હીની કોઈ શાળામાં બોમ્બની ધમકી મળી હોય. થોડા મહિનાઓ પહેલા દિલ્હી-એનસીઆરની લગભગ 100 શાળાઓને આવો જ ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેના કારણે માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના પરિવારો પણ પરેશાન હતા. પોલીસે તમામ સંબંધિત શાળાઓને ખાલી કરાવી હતી. જો કે તપાસ બાદ આ હોક્સ કોલ અફવા સાબિત થયો હતો.

એક દિવસ પહેલા જ પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હોવાથી પોલીસ પ્રશાસન તેને હળવાશથી લેવા માંગતું નથી. તેથી વેંકટેશ્વરા ગ્લોબલ સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતી. બીજી તરફ રોહિણીમાં સિનેમા હોલ પાસે ગુરુવારે થયેલા બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસે FIR નોંધી છે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 326 (G), જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમની કલમ 4 અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સ્થળ પર વિસ્ફોટક સામગ્રી ફેંકનાર અથવા પ્લાન્ટ કરનાર આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની એક ડઝનથી વધુ ટીમોએ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.