“લાઈફ યુનિવર્સીટી” માં ભણતા સૌ વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રકાશમાં તરબોળ કરતું પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ” : સ્વામી નિખિલેશ્વરાનંદ
~ પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તક : “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ”
પ્રકાશન : શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ
સમગ્ર વિશ્વ છેલ્લા બે વર્ષમાં કોરોનાના કાળમુખા ભરડામાં સપડાયું ! સમગ્ર વિશ્વની શિક્ષણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની ! માણસ માણસને મળવાનું લગભગ સાવચેતી ભર્યું અને અશક્ય બન્યું. ઓનલાઇન શિક્ષણની ઉભરેલી નવી શિક્ષણ વ્યવસ્થામાં અનેક સામાન્ય મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ મૂંઝાયા.ગરીબ મજૂરવર્ગના વિદ્યાર્થીઓ ઓનલાઇન કેમ થવાય એ માટે પૈસાના અભાવે આજે પણ અનેક તકલીફો સામે ઝઝૂમી રહ્યા છે એવામાં પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરનંદ જી નું આ પુસ્તક “સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ ” એક નવી આશા અને શ્રદ્ધા લઈને અચાનક હથેળીમાં આવે છે ! અને ખુલે છે દિવ્ય અને ભવ્ય ભારત નિર્માણના અનેક આત્મઉપયોગી મુદ્દાઓ અને શુભ સંકલ્પો. મારી અત્યંત આગ્રહભરી લાગણી છે કે આ પુસ્તક દરેક વિદ્યાર્થીઓ એમની પાસે અને હૃદયમાં રાખે રાખે અને રાખે જ. આવો આ સુંદર નાનકડા આધ્યાત્મિક પુસ્તકમાં ડૂબકી મારીએ. માર્ચ 2008માં આ પુસ્તક પ્રકાશિત થયું આજ દિન સુધી આ પુસ્તકની 85000 પ્રતો વહેંચાઈ . હું વેચાઈ શબ્દ ભારપૂર્વક નથી લખી રહ્યો !
પુસ્તક ખોલતા જ મનને સફળતાનાં શુભ અને હકારસભર સંકલ્પોથી ભર્યું ભર્યું કરતી અનુક્રમણિકા 1. સફળતાનાં ત્રણ પ્રકારો 2. આત્મશ્રદ્ધા : પોતાની જાતમાં શ્રદ્ધા રાખો 3. આત્મનિર્ભરતા 4. આત્મસંયમ 5. આત્મ ત્યાગ : નિસ્વાર્થ સેવા કરો થી લઈને સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ…સ્વામી વિવેકાનંદ નું યુવા વર્ગને આહવાન જેવા હદયસ્પર્શી વિષયો સૌનું આત્મબળ વધારશે અને છેલ્લે સૌથી રસપ્રદ યુવા વર્ગના પ્રશ્નોના સચોટ ઉત્તરો લાઈફ યુનિવર્સિટી ના આજીવન વિદ્યાર્થીઓ એવા આપણાં સૌનું આજીવન માર્ગદર્શન કરશે .
લેખક શ્રી સફળતાનું રહસ્ય – સર્વાંગી વ્યક્તિગત વિકાસ પર ખૂબ અદભૂત રીતે ભાર મુકે છે. માત્ર શૈક્ષણિક સફળતા જ એ જીવન જીવવા માટે પૂરતી નથી જ અને એ માટે લેખક શ્રી તમામ જિજ્ઞાસુ વાચકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ ઝીણવટપૂર્વકના આધ્યાત્મિક અવલોકનો ઉદાહરણો સાથે આપણાં અંતરમાં એક અદભૂત પ્રકારની આધ્યાત્મિક ચેતના પ્રજ્વલ્લિત કરવા માટે આપણને એકદમ સરળ અને સહજ ભાષામાં સમજાવે છે જેમ કે સફળતાનાં ત્રણ પ્રકારો 1. તાત્કાલિક સફળતા 2.લાંબા ગાળાની સફળતા અને 3 શાશ્વત સફળતા આની સાથે સાથે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા પહેલાં આત્મશ્રદ્ધા વધારવા સૂચવે છે સ્વ ની સાથે ઓળખાણ કરાવે છે.આત્મનિર્ભરતા માટે સૌને ઉત્સાહિત કરે છે આત્મસંયમ કેળવતા શીખવાડે છે અને એ રીતે એકાગ્રતા વધારીને આપણે કઈ રીતે આત્મશક્તિ વધારી શકીએ એને એકદમ સુંદર ઉદાહરણો દ્વારા આપણને આત્મસાત કરાવે છે ગીતા અને વેદ શાસ્ત્રો ના ચૂંટેલા શ્લોકો ..કૃષ્ણ અર્જુન સંવાદ સાથે આપણાં અંતરને આઘ્યાત્મિકતાથી છલોછલ કરી દે છે જેમ કે જીવનમાં કઠીનમાં કઠિન કાર્યો મનને વશમાં રાખી ને કઈ રીતે પાર પાડવા એના માટે અર્જુન શ્રીકૃષ્ણ પરમાત્મા ને પૂછે છે ….
चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम्।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्।।
હે કૃષ્ણ ! મન ચંચળ, વિહ્વળ કરનાર, બળવાન અને દઢ છે; મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું
અને શ્રીકૃષ્ણ મનને કઈ રીતે વશમાં કરવું એ આપણા અંતરમાં રહેલા અર્જુનને સમજાવવા મહામંત્ર આપે છે કે ….
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलं।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते।।
કે હે મહાબાહો ! ખરેખર મન ચંચળ છે અને તેને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કૌંતેય અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે…ક્યાંક ગીતાજી ના આવા શ્લોકો ક્યાંક વેદો ની સ્તુતિઓ ક્યાંક મહર્ષિ પતંજલિ ના શ્લોકો આપણામાં આત્મશ્રદ્ધાને ભરપૂર વધારશે . સ્વામી વિવેકાનંદનું યુવાવર્ગને આહવાન એકદમ બોલકી ભાષામાં ભારત વર્ષને પ્રેમ કરો ,દેશપ્રેમની વ્યાખ્યા, સ્વામી વિવેકાનંદ એટલે ઘનીભૂત ભારત , સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણા સ્ત્રોત , સ્વાધીન ભારતની પરાધીનતા, ભારતનો ગૌરવપૂર્ણ ભૂતકાળ, અને ભારત નું સોનેરી ભવિષ્ય વિવેકાનંદજી ના દિવ્ય અને ભવ્ય વિચારો આપણાં મનમાં સ્થાપિત કરવાનો લેખક શ્રીનો દિવ્ય પ્રયાસ ખરેખર વંદનને પાત્ર છે. આ કપરા સમયમાં યુવારાષ્ટ્રના યુવા ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવાનો એ રીતે ભારતને વિશ્વગુરુ બનાવવાનો લેખકનો શુભાશય આશીર્વાદની જેમ વાચકોને પાને પાને અનુભવાશે ! યુવાવર્ગના તમામ રોજિંદા અને વિકટમાં વિકટ પ્રશ્નોનો જવાબ આપતું આ અદભૂત પુસ્તક એ આપણાં જીવતરને જ્ઞાન પ્રકાશથી પ્રજ્વલ્લિત કરશે એની પૂરી શ્રદ્ધા સાથે ભારતવર્ષનું ભાવી શુભોત્તમ હો…!!