સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ્સ અને કાપડની મિલો આવેલી છે. અને શહેરની કાપડ માર્કેટ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી હોય છે. છેલ્લા બે ત્રણ મહિનાથી માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બહારના રાજ્યોમાં જૂન મહિનામાં તહેવારોની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતે બહારના રાજ્યોમાં વરસાદના કારણે પુર અને લેન્ડસ્લાઈડીંગ જેવી ઘટનાઓના કારણે ખરીદી અટકી પડી હતી. જેના કારણે વેપારીઓમાં નિરાશા હતી. દરમિયાન શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ કાપડ બજારમાં તેજી જોવા મળી રહી છે. માત્ર ગુજરાત જ નહીં પણ પરપ્રાંતના પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં થોડા સમયથી મંદીના વાદળો ઘેરાયા હતા. માર્કેટમાં ખરીદી અને અન્ય રોટેશનો બંધ હતા. પરંતુ હવે માર્કેટમાં તહેવારને લઈને અલગ અલગ રાજ્યમાં ખરીદી શરૂ થઈ છે. આ અંગે માર્કેટના વેપારીના વેપારીઓના કહેવા મુજબ આમ જોવા જઈએ તો જૂન મહિનામાં ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં કપડાની ખરીદી થતી હોય છે, પરંતુ આ વખતે વરસાદના કારણે માર્કેટને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. અલગ અલગ રાજ્યોમાં વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે માલ સામાનની ખરીદી બંધ થઈ ગઈ હતી. હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં પુર અને લેન્ડ સ્લાઈડીંગના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેના કારણે પણ બહારના રાજ્યોના વેપારીઓ ખરીદી કરી શક્યા ન હતા. જેના કારણે માર્કેટમાં મંદિર જોવા મળી હતી. જોકે હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તહેવારો શરૂ થશે, જેના કારણે ધીરે-ધીરે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને રક્ષાબંધન અને પોંગલના તહેવારને લઈને ખરીદી જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓએ પણ થોડીક રાહતનો શ્વાસ લીધો છે. વેપારીઓએ પણ પોતાના ગ્રાહકો માટે અલગ અલગ કપડાઓનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈને માર્કેટ સારું રહેશે અને વેપાર પણ સારોએવો થશે.