રાજકોટના મેંગો માર્કેટમાં આગ લાગતા કેરીના બોક્સ વળીને ખાક
રાજકોટઃ શહેરની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગને કારણે વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયું હતું, જોકે આગ પર કાબૂ મેળવે એ પહેલાં લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગ લાગતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. આગ માર્કેટમાં વધુ આગ પ્રસરે એ પહેલાં કાબૂમાં આવી જતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટની મેંગો માર્કેટમાં મોટી સંખ્યામાં શહેરીજનો ફળ ખરીદવા આવતા હોય છે. ત્યારે આજે સવારે કોઇ કારણોસર આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે સદનસીબે આગ પર ફાયરબ્રિગેડે કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. કેટલાક વેપારીઓનો સામાન બળીને ખાખ થયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવતાં આગ કાબૂમાં આવી હતી. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલી મેંગો માર્કેટમાં સવારે આગ ભભૂકતાં ફ્રૂટ ભરવા માટેના પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો બળી ગયો હતો. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સહિતનો સ્ટાફ બંબા સાથે પહોંચ્યો હતો અને આગ બૂઝાવી હતી. ફાયર બ્રિગેડના સુત્રોના કહેવા મુજબ આગ પ્લાસ્ટિકના કેરેટ તથા લાકડાની પેટીઓના જથ્થામાં લાગી હતી. આગથી કોઇ જાનહાની થઇ નથી. મેંગો માર્કેટના પ્રમુખ પિન્ટૂભાઇ પટેલના જણાવ્યા મુજબ કદાચ કોઇ તણખો આવતાં તેના કારણે આગ લાગી હોય શકે. આશરે 5 હજાર જેટલા પ્લાસ્ટિકના કેરેટ, લાકડાના બોક્સ બળી ગયા હતાં.