Site icon Revoi.in

કચ્છના બન્નીના ઘાંસિયા મેદાનમાં 30થી વધુ ચિતલ- હરણ લાવીને સંવર્ધન કેન્દ્ર ઊભુ કરાશે

Social Share

ભૂજઃ કચ્છના બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાના સવર્ધન કેન્દ્રને મંજુરી મળ્યા બાદ હવે હવે ચિતલ અને હરણોને વસાવવાની યોજનાને મંજુરી મળી છે. સ્પોટેડ ડિયર એટલે મૃગથી ઓળખાતું ચિતલ અને હરણ બન્નીના ઘાંસિયા મેદાનમાં ઉછળકૂદ કરતું જોઈ શકાશે. રામપરા વન્યજીવ અભયારણ્ય મોરબીથી ૩૦ ચિતલ ખાસ વાહનથી ટ્રાન્સલોકેટ કરી બન્નીમાં લવાશે. બન્નીનું ઘાસિયું મેદાન એશિયામાં ટોચનું સ્થાન ધરાવે છે, બીજીતરફ ચિત્તા પ્રોજેક્ટને લઈને દેશની નજર કુનો બાદ કચ્છમાં છે. ત્યારે સરકારે નિર્ણય કર્યો છે કે, પહેલીવાર કચ્છમાં ચિતલ હરણને મૂકાશે. ગીરમાં જોવા મળતું મૃગ રામાયણ કાળથી ઉદાહરણ તરીકે પ્રસ્તુત થતું આવ્યું છે. ત્યારે બન્નીમાં પહેલીવાર ‘મૃગ’ની પધરામણી થઇ રહી છે.

કચ્છ વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ચિતલને રામપરાથી બન્ની લાવવામાં આવશે. આ ટ્રાન્સલોકેશન માટે સાસણ ગીરના ખાસ વાહનનો ઉપયોગ કરવામાં આવશે. હાલના તબક્કે 30 જેટલા ચિતલ કચ્છ ટ્રાન્સલોકેટ કરવામાં આવશે. શક્યત: ચોમાસા બાદ આ ગતિવિધિ પર ભાર મૂકાશે. ચિતલને બોમા ટેક્નિકથી પકડાશે, 280 કિ.મી ખાસ વાહન બન્નીમાં લવાશે.બોમા ટેક્નિકમાં પ્રાણીઓને ફનલ જેવી ફેન્સીંગ દ્વારા પીછો કરીને એક ફેન્સીંગમાં જવા આકર્ષિત કરવામાં આવે છે. બાદમાં પકડી ટ્રાન્સલોકેટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 30 ચિતલ 280 કિલોમીટર માર્ગવાટે પ્રવાસ ખેડી કચ્છ આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચિતલ સામાન્ય રીતે જંગલમાં રહેવા ટેવાયેલા છે, જો કે કચ્છમાં અને તેમાં પણ ખાસ બન્નીમાં લાવવા વનવિભાગે હાલ તનતોડ મહેનત હાથ ધરી છે. 100 હેકટર વિસ્તારમાં ફેન્સીંગ ઊભી કરી તેના માટે બ્રીડીંગ સેન્ટર બનાવવા તજવીજ ચાલી રહી છે. કચ્છમાં તેને નવું ન લાગે માટે, ઘાસના પ્લોટમાં જ મૂકવામાં આવશે. શેડ, પાણીના પોઇન્ટ અને ખોરાક સાથે આસપાસની અનૂકૂળ સ્થિતિઓ ઊભી કરવામાં આવી રહી છે. જો કે જંગલના મસ્તીખોર હરણને પાડોશમાં આવેલા રણની હવા ફાવશે કે કેમ તે પ્રશ્ન છે. ગીરમાં ચિત્તલની વસ્તી 90 હજારથી વધુ છે. તાજેતરમાં બરડા અભયારણ્યમાં 23 ચિતલ ખસેડાયા હતા. ચિત્તા પ્રોજેક્ટને લઈને દેશની નજર કુનો બાદ કચ્છમાં છે. આ વચ્ચે સરકારે નિર્ણય કર્યો છે કે,પહેલીવાર કચ્છમાં ચિતલ હરણને મૂકાશે.  કચ્છના નારાયણ સરોવર અભ્યારણ્યમાં ચિંકારા સમૃદ્ધ સંખ્યામાં છે, હાલ બન્નીમાં પણ ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બની રહ્યું છે. આ વચ્ચે હવે ચિતલને લાવી સંવર્ધન કેન્દ્ર ઉભું કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના ભૂતકાળમાં 1982 આસપાસ પૂર્વ બન્નીમાં 50 જેટલા કાળિયાર હોવાની નોંધ વન્યજગતના વિદ્વાન એમ. કે રણજીતસિંહજી દ્વારા કરાઈ હતી. જો કે કાળક્રમે શિકાર અને અન્ય પ્રવૃતિઓ થકી કાળિયાર હરણ કચ્છમાંથી વિલુપ્ત થઇ ગયા હતા. હાલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર હરણની નોંધપાત્ર સંખ્યા છે. જો પ્રોજેક્ટ ચિત્તા માટે જ આ તૈયારીઓ હોય, તો સુખદ સંયોગ એ પણ હશે કે હરણની ત્રણેય પ્રજાતિઓ પહેલીવાર કચ્છમાં એક જ વિસ્તારમાં જોવા મળશે.