Site icon Revoi.in

અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બ્રીજ 5 વર્ષમાં તૂટી ગયો, હવે 90 લાખના ખર્ચે મરામત

Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરશે. શહેરના હાટકેશ્વર બ્રિજ ઉપર થોડા દિવસ પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાં આ બ્રિજ પર અવારનવાર પડતા ગાબડાને લઈ ચર્ચા થઈ હતી. જેથી પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રિજને ફરીથી તળ તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 90 લાખનો ખર્ચે આ બ્રિજના મરામત માટે ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે,  શહેરના હાટકેશ્વર બ્રિજ પર અવારનવાર ગાબડા પડવાના કારણે રૂ. 90 લાખના ખર્ચે તળ તોડી અને આરસીસી રોડ બનાવવામાં આવશે. તાજેતરમાં જ બ્રિજ ઉપર ગાબડું પડ્યું હતું. જેના કારણે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. દોઢ મહિના સુધી આ સમારકામના કારણે ખોખરાથી હાટકેશ્વર બ્રિજ બંધ રહેશે.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રખડતાં ઢોર મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. જેમાં ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને રખડતાં ઢોરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે સુચના આપવામાં આવી છે. શહેરમાં અત્યારે માત્ર બે જ ઢોરવાડા છે. વધુ ઢોર પકડીને રાખી શકાય તેના માટે ત્રણ જેટલા પ્લોટ નક્કી કરવામાં આવશે. અધિકારીઓને ત્રણ પ્લોટ મોટા શોધવા માટે જણાવવામાં આવ્યું છે અને કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડી ત્યાં રાખવામાં આવશે. જે પણ રખડતા ઢોર પકડાય તેના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શહેરમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે, ત્યારે વરસાદ બંધ થયા બાદ ઝડપથી રોડની કામગીરી શરૂ કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. જેટ પેચર મશીનથી તમામ જગ્યાએ ખાડા પુરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 15 દિવસે વોર્ડ સમિતિ મળે છે. તેમાં થયેલા કામોનો રિવ્યુ લેવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓ પાસેથી જે પણ સમિતિમાં કામો નક્કી કરવામાં આવ્યા હોય અને બાકી હોય તે અંગે ચર્ચા કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રિજ ઉપર રોડ તૂટી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે. હલકી ગુણવત્તા વાપરી અને આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે. (FILE PHOTO)