Site icon Revoi.in

પાટણમાં બગવાડા દરવાજા નજીક જામ્યું આખલા યુદ્ધ, વાહનચાલકોમાં ભય ફેલાયો

Social Share

પાટણઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બનતી જાય છે. રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. પાટણમાં પણ રખડતા ઢોર જાહેર રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં પાટણ નગર પાલિકાનું તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર નવાર રખડતાં ઢોરો જોવા મળી રહ્યા છે. તેમજ આખલાઓ વચ્ચે યુદ્ધ જામતું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કયારેક આવા રખડતાં ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બનતા હોય છે. છતાં નગર પાલિકા સતાધીશો દ્વારા રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવા કોઈ નક્કર કામગીરી હાથ નહી ધરતા શહેરીજનોમાં નગર પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ શહેરના બગવાડા દરવાજા પાસે આખલાં યુદ્ધ જામ્યું હતું. તેના લીધે વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.

પાટણ શહેરના ધમધમતાં વિસ્તાર એવા બગવાડા દરવાજા નજીક બે રખડતાં આખલાઓ વચ્ચે યુદ્ધ જામતાં વિસ્તારમાં અફડાતફડી મચી હતી. માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં પણ ભય ફેલાયો હતો. ભરબજારે 15 મિનિટથી વધુ ચાલેલા આખલાઓનાં યુદ્ધને ખતમ કરવા વિસ્તારના વેપારીઓ દ્વારા પાણીના છંટકાવ સાથે લાકડી, ધોકા પછાડતા આખરે ભારે જહેમત બાદ આ આખલાઓનાં યુદ્ધને શાંત કરવામાં સફળતા મળી હતી. જેથી લોકોએ હાસકારો અનુભવ્યો હતો. પાટણ નગર પાલિકાના સતાધીશો દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા નક્કર આયોજન સાથે કામગીરી હાથ ધરે તેવી લોક માગ ઉઠી છે.