Site icon Revoi.in

દિલ્હીથી પ્લેનમાં આવી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈને અમદાવાદમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ પકડાઈ

Social Share

અમદાવાદઃ હવે તસ્કરો પણ હાઈટેક થતાં જાય છે. સાથે જ વિમાનમાં મુસાફરી કરીને મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં રોકાઈને બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરી કરતા હોય છે. આવી જ એક તસ્કરોની ગેંગને અમદાવાદ પોલીસે પકડી પાડી છે. શહેરના મણિનગર પોલીસે બે એવા ચોરની ધરપકડ કરી છે, જે ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા પ્લેનમાં આવતા હતા. અમદાવાદમાં 5 સ્ટાર હોટેલમાં રોકાયને  ચોરીને અંજામ આપ્યા બાદ આ ચોર ટોળકી મુદ્દામાલ લઈને ટ્રેન કે કેબ સર્વિસનો ઉપયોગ કરી ફરાર થઇ જતી હતી. હાલ તો પોલીસે આ ગેંગની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની મણિનગર પોલીસને મોટી સફળતા મળી છે. પ્લેનથી અમદાવાદ આવીને ચોરી કરતી ગેંગને ઝડપી લીધી  છે. પોલીસે મુદ્દામાલ સાથે હાઈફાઈ તસ્કરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તસ્કરનું નામ ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ છે. બંને ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી છે. આ ચોર દિલ્હીથી ખાસ ચોરી કરવા માટે બાય પ્લેન અમદાવાદમાં આવતા હતા અને ત્યાર બાદ અમદાવાદની ફાઈવસ્ટાર હોટલમાં રોકાતા હતા. ત્યાર બાદ શહેરના પોશ ગણાતા ધનાઢ્ય વિસ્તારોમાં દિવસે બંધ ઘરમાં ચોરી કરવા માટે રેકી કરવા માટે નીકળી પડતા હતા.  આ  બન્ને ચોર મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવા માટે ફરી રહ્યા હતા ત્યારે જ મણિનગર પોલીસ સ્ટેશનના એક ડી સ્ટાફના કોન્સ્ટેબલ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે જ અચાનક આ બંને પર નજર જતા પોલીસ કોન્સ્ટેબલ બંને ચોરને ઓળખી ગયા હતા. કેમ કે આ બંને ચોરોએ ગત જૂન માસમાં જ મણિનગરના ચાણક્ય ફલેટમાં અઢી લાખની મત્તાની ચોરી કરી હતી. જેની સીસીટીવી ફૂટેજમાં આ બંને ચોર દેખાયા હતા અને પોલીસ કોન્સ્ટેબલે બંનેની અટકાયત કરી વધુ તપાસ શરુ કરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ 2018માં ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણ અને સહીત ના રિઝવાન અને શાહનવાઝ નામના ચોરોએ 35 લાખની મત્તાની ચોરી કરી હતી. જે તે સમયે પણ મણિનગર પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા, ત્યારે વધુ એક ચોરી ગત જૂન માસમાં આ ગેંગના બે સાગરીત ભારત ચૌધરી અને ઝાહેદ ખાન પઠાણે અઢી લાખની મત્તાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.  હાલ તો મણિનગર પોલીસ સ્ટેશનના ચપળ કોન્સ્ટેબલના કારણે એક મોટી ચોરી થતા પહેલા જ અટકી ગઈ છે. ત્યારે આ ચોરની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે પોતાની ઊંચી લાઈફસ્ટાઈલના કારણે ચોરીના રવાડે ચડ્યા છે.