Site icon Revoi.in

દ્વારકા નજીક સુરતના ઉદ્યોગતિ કાર સાથે પાણીના વહેણમાં તણાયા, ઝાડ પકડીને જીવ બચાવ્યો

Social Share

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં અનેક યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સુરતના એક ઉદ્યોગપતિ પોરબંદરથી પોતાની લકઝરી કારમાં દ્વારકા આવી રહ્યા હતા. ત્યારે હાઈવેના એક ડીપ બ્રિજ પર ધસમસતા પાણીમાં મર્સિડીઝ કાર સાથે તણાયેલા સુરતના યુવા ઉદ્યોગપતિ પાણીમાં 20 મિનિટ સુધી બાવળના ઝાડને પકડી મોતને મહાત આપી પરત ફર્યા છે. બે દિવસ મર્સિડીઝ કારનો પત્તો લાગ્યો નહોતો. બાદ દૂર કાદવ કીચડમાંથી કાર મળી હતી.

સુરતના હિંદવા ગ્રુપના કેયુર ખેની કામ અર્થે દ્વારકા ગયા હતા. પોરબંદરથી દ્વારકા જતી વખતે ભાટીયા પાસે હાઇવે પર અચાનક પાણીનું વહેણ વધતા કાર તણાઈ ગઈ હતી. જેમાં ડ્રાઇવર સાથે બંનેનો બચાવ થયો હતો. આ અંગે ઉદ્યોગપતિએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, સમયસૂચકતા વાપરી કારના કાચ ખોલી નાખતા જીવ બચી શક્યા હતા. પાણીની સપાટી પર થોડા બાવળ જોવા મળ્યા બાદ વિચાર્યું કે એક એક કરીને કૂદીશુ તો કારનું સમતોલન ખોરવાઇ જશે અને એક તરફ નમી જશે. આટલી વાત કરીને બંને બાજુથી કારના દરવાજા ખોલીને તરત કૂદી પડ્યા હતા. કૂદતા પહેલા એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં લેપટોપ લઈ લીધું હતું. બંને કૂદી પડ્યા બાદ બાવળનું ઝાડ પકડાઈ જતા તેને બથ ભરીને 20 મિનિટ સુધી ધસમસતા પાણીના પ્રવાહમાં મોતની સામે ઝઝુમતા રહ્યા હતા. બાવળના કાંટા વાગવાથી લોહીલુહાણ થઈ ગયા હતા. દરમિયાન મોબાઈલ સાથે હોવાથી મને ઘટના બાબતે જાણ કરી હતી. ઉદ્યોગપતિએ પરિવારના મુકેશભાઈ પટેલને મેસેજ કરી લોકેશન મોકલ્યું હતું. મુકેશભાઈએ તુરંત ગૃહમંત્રીને ફોન કર્યો. ગૃહમંત્રીએ દ્વારકા તંત્રને ફોન કરતા પોલીસ સાથે NDRFની ટીમે લોકેશન પર પહોંચીને બચાવી લીધા હતા. ડ્રાઇવર ત્યાંથી 200 મીટર દૂર હોવાથી બચાવવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. બંને મોતને મહાત આપી પરત ફર્યા ત્યારે પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી.