ગાંધીનગરઃ ગુજરાત પોલીસના વડા યાને DG વિકાસ સહાય શિસ્તના આગ્રહી અને વિભાગના કર્મચારીઓ પર લાગણીશીલ પણ છે. ગુજરાત પોલીસ વડાની કચેરી કે જ્યાં રાજ્યભરના કાયદો અને વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવે છે. જ્યાં કામ કરતાં કર્મચારીઓમાં કામનું ભારણ અને ટ્રેસ પણ વધુ જોવા મળતો હોય છે. ત્યારે કચેરીમાં કામ કરતા મહિલા કર્મચારીઓના નાના બાળકો માટે વાતાનૂકૂલિત ઘોડિયાઘર યાને ડે કેરની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા કર્મચારીઓ પોતાના બાળકોને ડે કેરમાં મુકીને ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે, ડીજીપી કચેરીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ નોકરીની સાથે પરિવારની જવાબદારી પણ સંભાળતી હોય છે. એટલે કે ફરજ દરમિયાન પણ તેમને પોતાના બાળકોની ચિંતા સતત સતાવતી હોય છે ત્યારે હવે પોલીસ ભવનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને તેમના બાળકોને સાચવવાની જવાબદારીઓમાંથી થોડેક અંશે રાહત મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીજીપી કચેરીમાં જ બાળકો માટે એક વાતાનુંકૂલિત રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બાળકો માટે ઘોડિયા અને રમકડાં પણ મુકવામાં આવ્યા છે. બાળકોની સંભાળ માટે બે મહિલાઓને ફરજ સોંપવામાં આવી છે. બાળકોને સમયસર નાસ્તો અન્ય વ્યવસ્થા થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય કિચન બનાવવામાં આવ્યું છે કે, જ્યાં રુટિન મેનુ પ્રમાણે નાસ્તો બને છે અને નાના બાળકો માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા કર્મચારીઓ જ્યારે છૂટે છે ત્યારે તેમના બાળકોને સાથે લઈ જાય છે. પોલીસ તરફથી મહિલા કર્મચારીઓને મદદ થાય તે માટેનો આ મહત્વનો પ્રયાસ છે. ડે કેરમાં છ મહિનાથી લઇને છ વર્ષ સુધીના બાળકોને રાખવાની તમામ વ્યવસ્થા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જ્યારે પોલીસ ટ્રેનિંગના વડા હતા ત્યારે તેમણે રાજ્યની તમામ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ પોતાના બાળકોને ટ્રેનિંગમાં રાખી શકે અથવા તેમના પરિવારજનો રહી શકે તે માટેની વ્યવસ્થા કરી હતી અને તે જ હવે પોલીસ ભવનમાં થઈ છે. પોલીસ ભવનમાં દિવસ રાત પોલીસની કદમતાલ વચ્ચે નાના બાળકોની કિલકીલિયારી ગુંજે છે . પોલીસ વડાના આ મહત્વના અભિગમને ખૂબ જ આવકારવામાં આવી રહ્યો છે.