ભૂગર્ભ જળ ઊંચા લાવવાનું અભિયાન, પાલનપુર તાલુકાના ત્રણ ગામોમાં બોર-કૂવા રિચાર્જની કામગીરી
પાલનપુરઃ ઉનાળા દરમિયાન પાણીની સૌથી વધુ વિકટ સમસ્યા બનાસકાંઠામાં ઊભી થઈ હતી. પાણીના તળ દિનપ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન વરસાદી પાણી બોર અને કૂવામાં ઉતારીને રિચાર્જ કરવામાં આવે તો પાણીના તળ ઊચા આવી શકે તેમ છે. કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી છે. જલ શક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસર ટુ બનાસકાંઠા અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના ડાયરેક્ટર આલોક માલવીયા અને એક્ઝીક્યુટીવ એન્જીનિયર શશાંક ભૂષણની ટીમે તેમની મુલાકાતના બીજા દિવસે પાલનપુર તાલુકાના મલાણા અને વેડંચા તથા વડગામ તાલુકાના ટીંબાચુડી ગામની મુલાકાત લીધી હતી.
મલાણા ગામની મુલાકાત પ્રસંગે ડાયરેક્ટર આલોક માલવીયાએ ગ્રામજનો સાથે સંવાદ કરી ભૂગર્ભ જળ રિચાર્જ માટે કરવામાં આવેલી કામગીરીની જાત માહિતી મેળવી હતી. ગ્રામજનોએ કેન્દ્રની ટીમને જણાવ્યું કે, ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવા તથા પાણીના સંગ્રહ માટે મલાણા ગામ દ્વારા એક તળાવ ઉંડુ કરવામાં આવ્યું છે અને 50 જેટલાં કૂવાઓ રિચાર્જ કરવા માટેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને 30 કૂવાઓ રિચાર્જ માટેનું સ્ટ્રક્ચર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. તેવી જ રીતે ટીંબાચુડી ગામમાં પણ ગ્રામજનો દ્વારા આખા ગામનું પાણી જમીનમાં ઉતરે તે માટે રૂ. 7.50 લાખના ખર્ચથી સામૂહિક વોટર સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ ઉપરાંત ગામના જુના અને અવાવરૂ 32 જેટલાં કૂવાઓ રિચાર્જ કરવા માટેના સ્ટ્રક્ચર બનાવાયા છે તેની મુલાકાત લઇ કેન્દ્રની ટીમે જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર તાલુકાના વેડંચા ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરીને 30 ટકા ઘરોમાંથી આવતા ગ્રે-વોટર (બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણી ને ટ્રીટમેન્ટલ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું અને ભૂગર્ભ જળ રિ-ચાર્જ કરવા માટેનો પ્લાન્ટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી રૂા. 5.55 લાખના ખર્ચે સરળ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ મોડલ સરળ ટેકનોલોજી ઉપર આધારિત છે, જેની સ્થાપના અને નિભાવણી સરળતાથી કરી શકાય છે. આ મોડલમાં કોઈ જટીલ એન્જીાનીયરીંગ કે ટેકનિકાલીટી વગર સામાન્ય સિવિલ વર્ક અને મુનચારકોલ, ફટકડી અને ચુના જેવા રો-મટીરીયલનો ઉપયોગ કરીને ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને ખેતી અને રિ-ચાર્જ માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન્ટની કામગીરી જોઇને કેન્દ્રની ટીમે પ્રશંસા કરી હતી.