Site icon Revoi.in

સુરતના અલથાણ વિસ્તારમાં પૂરફાટ ઝડપે કારએ 4 લોકોને અડફેટે લીધા

Social Share

સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતો નું પ્રમાણ ચિંતાજનકરીતે વધી રહ્યું છે. નબીરાઓ પૂરફાટ ઝડપે વાહનો ચલાવતા હોવાથી તેમજ કેટલાક વાહનચાલકો દારૂના નશામાં ભાન ભૂલીને આડેધડ વાહનો ચલાવતા હોય છે. અકસ્માતમો વધુ એક બનાવ અલથાણ વિસ્તારમાં બન્યો છે. ગઈ રાતે પૂરઝડપે કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા બાદ કાર બીઆરટીએસના ડિવાઈડર સાથે અથડાવી હતી. આ ઘટનાથી લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, કારને ઘેરી લઈને કારચાલકને બહાર ખેંચીને ધડાધડ ફડાકા ઝીંકી દીધા હતા. તો અન્ય એક યુવકે કારના બોનેટ ઉપર ચડીને કાચ પર લાતો મારી બુકડો બોલાવી દીધો હતો. બેફામ ડ્રાઈનિંગ કરનારા કારચાલકને લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, રવિવારની રાત્રે પાંડેસરા વિસ્તારમાં GJ 05 RJ 0177 નંબરની સફેદ રંગની કારના ચાલકે બેફામ કાર દોડાવીને બેથી ત્રણ વ્યક્તિને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકી નબીરાએ કારને વધુ દોડાવી તે અલથાણ તરફ આવ્યો હતો, જ્યાં કારને બીઆરટીએસ રૂટમાં ડિવાઈડર સાથે અથડાવી હતી. બેફામ કારચાલકની આ હરકતોથી સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોમાંથી એક યુવાને કારના બોનેટ ઉપર ચડી કારને લાતો મારવાની શરૂઆત કરી દીધી. જ્યારે બીજી બાજુ કારનો દરવાજો ખોલીને અન્ય એક વ્યક્તિ લાતોથી અને હાથથી કારચાલકને મારી રહ્યો હતો. જે બાદ કારચાલકને બહાર કાઢીને પણ મેથીપાક ચખાડ્યો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં અલથાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકને લઈ પોલીસ સ્ટેશન રવાના થઈ હતી. જ્યાં કારચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક પિંકેશ દલાલ હોસ્પિટલમાં નોકરી કરે છે, નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનું જણાયું છે. કારચાલકે પાંડેસરા વિસ્તારમાં બે-ત્રણ વ્યક્તિને અડફેટમાં લીધા બાદ અલથાણ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.