Site icon Revoi.in

વડોદરામાં ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગી

Social Share

વડોદરાઃ શહેરના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.

શહેરના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. બુધવારે પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાત્રે 3થી 3:30 વાગ્યાના સુમારે તેઓની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. સ્થાનિક વ્યક્તિએ આગના બનાવની જાણ ધારાસભ્ય યોગેશભાઇ પટેલને કરતા તુરંત જ તેઓ સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. અને કાર ઉપર પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.

ધારાસભ્યની કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આમ છતાં, આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાક થઇ ગઇ હતી. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જોકે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે  આગ લાગી હોવાનું મનાય છે.