Site icon Revoi.in

વડોદરાના ખટંબા ગામે ફેન્સિંગ તોડીને કાર 35 ફુટ ઊંડા તળાવમાં ખાબકી

Social Share

વડોદરાઃ શહેર નજીક આવેલા ખટંબા ગામના 35 ફુટ ઊંડા તળાવમાં પૂરફાટ ઝડપે આવેલી અર્ટિંગા કાર ફેન્સિંગ તોડીને ખાબકતા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ત્વરિત રેસ્ક્યુ કરીને કાર ઈંડા તળાવમાંથી બહાર કાઢી હતી, પણ કારમાં સવાર પ્રવાસીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઊંડા તળાવમાં કાર ખાબકતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મારૂતી અર્ટિંગા કારમાં ચાર જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે. NDRFના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતા. ક્રેન મંગાવવામાં આવી હતી અને ક્રેન દ્વારા કારને બહાર કાઢવામાં આવી હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યે ઘટના બની હોવાનું કહેવાય છે.

ખટંબા ગામના ઊંડા તળાવમાં ખાબકેલી કારને ક્રેન દ્વારા ખેંચીને બહાર કિનારા સુધી લાવવાની સાથે જ ક્રેનનું દોરડું તૂટી જતાં કાર ફરી એકવાર તળાવમાં ગરકાવ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી એકવાર કારને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં કાર બહાર કાઢી લેવામાં આવી છે. જોકે, કારમાં કોઈ ન હોવાનું સામે આવ્યું છે. દરમિયાન કારમાં સવાર પ્રવાસીઓની ભાળ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફાયરના જવાનોએ બોટ દ્વારા પ્રવાસીઓને શોધખોળ હાથ ધરી છે.

આ અંગે વરણામા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. બી. તડવીએ જણાવ્યું હતું કે, કાર બહાર કાઢી લેવામાં આવી છે, પરંતુ કારમાંથી કોઈ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી. કારના નંબર ઉપરથી કારની માલિકીની તપાસ કરવામાં આવશે, તે બાદ કાર કોણ ચલાવતું હતું. કારમાં કોઈ વ્યક્તિ હતો, ક્યાંનો રહેવાસી હતો અને શું કામ-ધંધો કરતો હતો, તે અંગેની વિગતો બહાર આવશે.  આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. જોકે તળાવ ઊંડું હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા NDRFની ટીમ બોલાવવી પડી હતી. NDRF દ્વારા એક સ્કુબાને તળાવમાં ઉતારી કાર શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કારમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. જે તમામ હાલ લાપતા છે.

ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ  આજે સવારે ખટંબા તળાવ પાસેથી પાસેથી ચાર જેટલા વિદેશી યુવાનો સાથેની કાર તળાવમાં ખાબકી હતી. જેને પગલે કારમાં બેઠેલા યુવાનો લાપતા બન્યા છે. આ કાર એટલી સ્પીડમાં હતી કે, ફેન્સિગ તોડીને તળાવમાં ખાબકી હતી.