Site icon Revoi.in

ગાંધીનગરના એક ફ્લેટ્સના ભોંયરામાં કોઈ કાર મુકી ગયું, તપાસ કરતા હથિયારો અને કારતૂસ મળ્યાં

Social Share

ગાંધીનગરઃ શહેરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટના પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર બંદૂકના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.  કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, કાર્ટિજ વગેરે મુદ્દામાલ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી હતી. કારમાંથી કુલ 4 હથિયાર અને 236 કારતૂસો મળી આવતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો મળી છે. કે, ગાંધીનગરના સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ  7 મેને રવિવારના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી અને પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યુરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા. તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી.

પોલીસને તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યાં હતા. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવ્યાં હતા. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેવો હથિયારોનો જથ્થો નજરે પડ્યો હતો. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી. આ સાથે પોલીસે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલી કાર્ટિજમાંથી ઘણી બધી બ્લેન્ક હોવાના કારણે ગુનાઈત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે. હથિયારોનો જંગી જથ્થો ગાંધીનગર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગાંધીનગર પોલીસે કારની તપાસ કરતાં હથિયારો અને કારતૂસનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 57 નંગ, બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક 70 એમએમ કાર્ટિજ 50 નંગ, રિવોલ્વર પોઈન્ટ 38 એમએમ કાર્ટિજ 18 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ 7 નંગ, રિવોલ્વરના પોઈન્ટ 8 એમએમ કાર્ટિજ નંગ 7, રિવોલ્વરના પોઈન્ટ 7.65 એમએમ કાર્ટિજ નંગ 75, રિવોલ્વર પોઈન્ટ 32 એમએમ બ્લેન્ક કાર્ટિજ બે નંગ, પિસ્ટલના 9એમએમના બ્લેન્ક કાર્ટિજ 27, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પ્સ્ટલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્ટલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્ટલના 3 ખાલી મેગેઝિન, 4 પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી છે.