અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે જે અંતર્ગત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં તા. 26મી મે મહાનગર પાલિકા કક્ષાના, પચ્ચીસ જિલ્લાઓમાં તા. 30મી મે એ જિલ્લા કક્ષાના અને 249 તાલુકાઓમાં તારીખ 1લી જૂનથી 6ઠ્ઠી જૂન દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે 10 થી 12 કલાક દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, 8 મહાનગરો તથા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ માત્ર ધોરણ 10 અને 12 નહીં પણ ધોરણ 9 થી 12 સુધીના વિધાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે. આ પ્રકારનો સેમિનાર ગુજરાતમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે.