સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન એક બિલ્ડિંગના 14માં માળેથી પટકાતા સગીર સહિત બે શ્રમિકો મોતને ભેટ્યા હતા. આ મામલે શ્રમિકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. આખરે પોલીસે આ માટે જવાબદાર કોન્ટ્રેક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા-કોન્ટ્રેક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો નોંધ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન એક બિલ્ડિંગના 14માં માળના સ્લેબના ટેકા ખસી જતાં સગીર સહિત બે શ્રમિકો પટકાતા મોતને ભેટ્યા હતા. પોલીસે મૃતક દુદાનાં પત્ની સુશીલાબેનની ફરિયાદને આધારે આઈ.પી.સી.ની કલમ 304ની કલમ અંતર્ગત સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. પોલીસે હાલ આ બિલ્ડિંગનાં કોન્ટ્રેક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા-કોન્ટ્રેક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારાને આરોપી બનાવ્યા છે. જોકે બીજી કઈ ખામીઓ રાખવામાં આવી હતી એ જાણવા પોલીસે ફોરેન્સિક ટીમની પણ મદદ પણ લીધી છે.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગનું કામ ચાલતું હતું. બિલ્ડિંગની સાઈટ પર જ મૂળ મધ્યપ્રદેશના જંબવાના વતની 30 વર્ષીય દૂધો હરજી હંગરિયા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, એક દીકરી અને બે દીકરા છે. નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ જ બિલ્ડિંગ પર મધ્યપ્રદેશનો 17 વર્ષીય ધર્મેશ માવી પણ રહેતો હતો અને મજૂરીકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. નવનિર્મિત બિલ્ડિંગ આખી બની ગઈ છે. જોકે 14મા માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હતો, અને સ્લેબ ભરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ત્યાં દૂધો અને ધર્મેશ બંને હાજર હતા. દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો હતો. સ્લેબનો ટેકો નીકળી જવાના કારણે દૂધો અને ધર્મેશ બંનેએ પોતાના પરનું સંતુલન ગુમાવી દીધું હતું. ત્યાર બાદ બંને સીધા 14મા માળેથી નીચે પટકાયા હતા. જેથી સાથે કામદારો દોડી આવ્યા હતા. જોકે બંનેનાં મૃત્યુ થઈ ચૂક્યા હતા. બંને મજૂરનાં અચાનક મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે પરિવાર નવનિર્મિત બિલ્ડિંગ ખાતે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ ફરમાવી દીધી હતી. પરિવાર દ્વારા કમાવવાવાળા દુધાના મોતને લઈને વળતર સાથે ન્યાયની માગ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જોકે આ માટે મૃતદેહ 28 કલાક જેટલો સમય પોસ્ટમોર્ટમ વિના પડી રહ્યો હતો. હાલ બંનેના પરિવારજનો મૃતદેહને લઈને વતન મધ્યપ્રદેશ લઈને રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.