Site icon Revoi.in

સાયલામાં રેશનિંગનો 7.34 લાખનો જથ્થો પકડાતા ચાર શખસ સામે ગુનો નોંઘાયો

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પોલીસને  સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. 7.34  લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેના આધારે સાયલા મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી આ જથ્થો ખરીદી કર્યો હોવાનું બહાર આવતા ત્રણ રેશનિંગ દુકાનદારો સામે ગુન્હો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ એસઓજીની ટીમે થોડા દિવસો પહેલા સાયલાના હોળીધાર વિસ્તારમાં યોગાભાઇ ભરવાડના મકાનમાં રહેતા વિજયભાઇ ગોરધનભાઇ કુલધરિયાના ઘેરથી ઘઉં 530 કટ્ટા ચોખા 110 કટ્ટા, તુવેરદાળ 18 કટ્ટા સહિત કુલ 658 કટ્ટા સહિત ફૂલ રૂ.7.34 લાખનો સરકારી અનાજનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગે સાયલા મામલતદાર પી.બી. કરગટિયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં વિજયએ છેલ્લા 4 મહિનામાં રૂ. 300 થી રૂ.350 ના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. રેશનિંગ દુકાન ચલાવતા મોટા મઢાદના રાઠોડ હલુભાઇ ઉર્ફે હરપાલસિંહ અજુભાઇ, ગુંદિયાળાના પઢિયાર જસુભાઇ ભાવાનસંગ અને ટુવા ગામના પરમાર છગનભાઇ જેઠાભાઇ પાસેથી ઘઉં, ચોખા અને તુવેરદાળનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જે રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાનો હોય તે અનાજનો જથ્થાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું.

આથી વિજય સહિત 3 રેશનિગ દુકાનદારો સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરતા દોડધામ મચી જવા પામી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં આ જથ્થો વાંકાનેરના વેપારીને આપવાનો હતો અને ઘઉં, ચોખાનો જથ્થો સાયલાના ધરતી મીલ અને શેખપરના રાઘવ મીલમાં અગાઉ વેચાણ થયું હોવાનું અને પકડાયેલા અનાજનો જથ્થો વાકાનેરના કલ્પેશભાઇ શાહને રૂ. 385 ના ભાવથી આપવાનું નકકી કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. (file photo)