ઈઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસના સંધર્ષ બાદ સીઝફાયરનું એલાન, 200 લોકોનો ગયો જીવ
દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો 11 દિવસ બાદ અંત આવ્યો છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે 11 દિવસ પછી સંઘર્ષને રોકવા માટે એક તરફી મંજૂરી આપી છે. બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે બંન્ને દેશોના વેપાર પર પણ અસર જોવા મળી હતી સાથે ઈઝરાયલમાં મોટા ભાગનું જનજીવન ઠપ થઈ ગયુ હતુ.
11 દિવસના સીઝફાયર બાદ નેતન્યાહૂની કેબિનેટે કહ્યું કે તેમના સુરક્ષા મંત્રીમંડળે ઈઝરાયલના સૈન્ય પ્રમુખ અને ટોચના સુરક્ષા અધિકારીઓની ભલામણ બાદ આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો છે.
બીજી તરફ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં 65 બાળકો અને 39 મહિલા સહિત 230 પેલેસ્ટાનીઓના મોત થયા છે અને 1700થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલમાં પણ 5 વર્ષના બાળક અને 12 વર્ષની બાળકી સહિત 12 લોકોના મોત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ પણ ઈઝરાયલના આ નિર્ણયની પ્રશંસા કરી છે અને કહ્યું કે અમેરિકાએ આતંકવાદીઓથી બચવા માટે ઈઝરાયલને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં ઈઝરાયલને આયરન ડોમ સિસ્ટમ પુરી પાડવામાં આવશે.