Site icon Revoi.in

જુનાગઢમાં કવિ નરસિંહ મહેતા યુનિ.માં વન્યજીવ પર અભ્યાસ માટે ‘સેન્ટર ફોર એક્સેલન્સ’ સ્થપાશે

Social Share

જુનાગઢઃ ગુજરાતમાં વન્યપ્રાણીઓ પર સંશોધન માટે કોઈ અભ્યાસક્રમ નથી ત્યારે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે સેન્ટર કોર એકસલન્સ શરૂ કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. દહેરાદૂન સ્થિત વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના ધોરણે આ સેન્ટર સ્થાપવામાં  આવશે.

સેન્ટર ફોર એકસેલેન્સના ડાયરેકટર નિશિત ધારૈયાએ જણાવ્યુ હતું કે, જુન 2024થી વન્યજીવને લગતા કોર્ષ શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી વન્યજીવ પર શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ અન્ય રાજયોમાં જવુ પડતુ હતું.  હવે ગુજરાતમાં સેન્ટર સ્થાપવાના સંજોગોમાં અભ્યાસની સાથોસાથ વન્ય પ્રાણીઓ પર સંશોધન કરી શકાશે. નવા સેન્ટરમાં વન્યજીવ પર સંશોધન તથા સંરક્ષણ વિશેનો અભ્યાસ ઉપલબ્ધ બનશે. રાજયમાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર હશે. આ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માંગતા વનવિભાગના અધિકારીઓ સહિતના વર્ગોને પણ સરળતા રહેશે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વાઈલ્ડલાઈફ હેલ્થ એન્ડ રેસ્કયુ નામનો ડિપ્લોમા અભ્યાસક્રમ શરૂ કરવાની દરખાસ્ત છે. વન્યજીવોના આરોગ્યની સંભાળ આવતા તથા રેસ્કયુ ઓપરેશનમાં સામેલ થતા કર્મચારીઓ તાલીમ મેળવી શકશે. અમેરિકાની કોલેરાડો યુનિવર્સિટી સાથે શૈક્ષણિક અને ટેકનીકલ કરાર કરાયા છે. આ સિવાય પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાને સાથે પણ કરાર કરવામાં આવ્યા છે.

વનવિભાગના એક સીનીયર અધિકારીના કહેવા મુજબ અત્યાર સુધી રિઝર્વ મામલે કોઈ સંકલન ન હતું. રેસ્કયુ ઓપરેશનમાં સામેલ લોકોને તાલીમ મળતી ન હતી તે હવે નવા સેન્ટરની સ્થાપનાથી શકય બનશે. બીટગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ પ્રોત્સાહીત થશે. સેન્ટર ફોર એકસેલેન્સ માટે સરકારે સિનિયર-જુનિયર સાયન્ટીસ્ટ, ડાયરેકટર સહિત પાંચ કાયમી પોસ્ટ મંજુર કરી છે. સેન્ટર ફોર ડોકટરલ પ્રોગ્રામ એન્ડ રીસર્ચ સાથે તુર્તમાં કરાર પણ કરવામાં આવશે. સંરક્ષિત ક્ષેત્ર માટેની યોજના તૈયાર કરવાનુ તથા સંચાલન કરવાનુ વધુ સરળ બની શકશે.