Site icon Revoi.in

વઢવાણમાં સદી પુરાણું અને 300થી વધુ ખાતેદારો ધરાવતું પુસ્તકાલય આખરે બંધ કરાયું

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણનો સમાવેશ પ્રચીન શહેરોમાં થાય છે. વઢવાણના રાજવીએ 100 વર્ષ પહેલા પુસ્તકાલય બનાવ્યુ હતુ. આ પ્રાચિન પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો અને 300થી વધુ ખાતેદારો હોવા છતા બંધ કરાયુ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા શહેરની મધ્યમાં આવેલું પુસ્તકાલયમાં શરૂ કરે તેવી વાંચનપ્રેમીઓમાં માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના રાજવી જોરાવરસિંહજીના નામથી પુસ્તકાલય બનાવવામાં આવ્યુ હતુ.વઢવાણ શહેરની મુખ્ય બજારમાં આવેલુ પુસ્તકાલય હોવાથી મોટી સંખ્યામાં વાંચકો આવતા હતા.પરંતુ સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનતા શહેર મધ્યનુ 100 વર્ષ પુરાણુ પુસ્તકાલય બંધ કરાયુ છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર પુસ્તકાલય બંધ કર્યુ છે.આ પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો છે જેમાં નવલકથા, નાટકો, ઐતિહાસિક, ધાર્મિક પુસ્તકો સહિતના વિવિધ પ્રકારના પુસ્તકો છે. જેને વાંચવા માટે 300 ખાતેદારો ફી ભરીને પુસ્તકો વાંચે છે. પરંતુ છેલ્લા આઠ મહિનાથી આ પુસ્તકાલય બંધ છે.આ અંગે સુધરાઇ સભ્યો અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને પુસ્તકાલય શરૂ કરાવે તેવી માંગ ઊઠી છે. નગરપાલિકાના સત્તાધિશો એવું કહી રહ્યા છે. કે, પુસ્તકાલયનું મકાન જર્જરિત હોવાથી પુસ્તાલય કાયમ માટે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના નાગરિકો એવું કહી રહ્યા છે. પુસ્તકાલયનું મકાન જર્જરિત હતું તો તેને વર્ષો સુધી મરામત કરાવવામાં કેમ ન આવ્યું. નવુ મકાન પણ બનાવી શકાયું હોત.

વઢવાણના પુસ્તકાલય અધિકારીએ જણાવ્યું હતું કે,  ભુકંપ બાદ જર્જરીત બનેલા પુસ્તકાલયને  ઉતારી લેવાનો આદેશ થયો હતો. હાલ પુસ્તકો સુરક્ષિત છે અને વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં લઇ જવામાં આવ્યા છે.આ પુસ્તકાલયને શરૂ કરવા રજૂઆત આવતા ચેરમેન સહિત જવાબદારોને જાણ કરી છે. પુસ્તકાલય સાત આઠ માસથી બંધ છે પરંતુ ઝડપથી શરૂ થાય તેવી વૈકલ્પીક વ્યવસ્થાના આદેશ થશે તો ફરી શરૂ કરીશુ.