- છોટાઉદેપુર અને તાપીના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ
- ડાંગ જિલ્લામાં આકાશમાં છવાયાં વાદળો
- વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં
અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તાપી સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયાં હતા. તેમજ કેટલાક સ્થળો ઉપર હળવો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ હળવા વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી અ ગરમી બાદ આજે વહેલી સવારથી છોટાઉદેપુરમાં વાદળછાયું વાતવરણ છવાયું છે. છોટાઉદેપુર નગરમાં હળવો વરસાદ પણ થયો હતો. છોટાઉદેપુર સિવાય તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણના કારણે ગરમી થી આંશિક રાહત મળી છે પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે. ડાંગ જિલ્લામાં સવારથી વાદળછાયુ વાતાવરણ રહેતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી આજે સવારથી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સાપુતારા નડગ ચોન્ડ મુરંબી અને ગુંદવહડ જેવા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણને પગલે ગરમી માંથી લોકોને આંશિક રાહત મળી હતી. તેમજ અમુક સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા હતા. ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ગિરિમથક સાપુતારામાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત દાહોદના ગરબાડા તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ વરસ્યો હતો.