પવનની દિશા બદલાતાં આજથી ઠંડી ઘટવાની વકી; 3થી 4 દિવસમાં તાપમાન વધુ 3 ડીગ્રી વધવાની શકયતા
અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું તિવ્ર મોજું ફરી વળ્યું છે. ઠંડીને લીધે કોરોનાની સાથે વાયરલ બીમારીના કેસમાં પણ વધારો થયો છે. ઉત્તરાણ બાદ હવે આજથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં જ ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.
રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતભરમાં છેલ્લા એક અઠવાડિયાથી કડકડતી ઠંડીએ જનજીવન પર માઠી અસર કરી હતી. ઠંડાબાળ પવનને કારણે શરદી, ઉધરસ અને વાયરલ બીમારીમા કેસમાં પણ વધારો થયો છે. પણ હવે રાહતના સમાચાર એ છે કે, ઠંડીમાં ઘટાડો થશે. અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું હતું.
અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.