નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ તંગ બન્યા છે. બીજી તરફ ભારતના પડોશી દેશ શ્રીલંકા હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને શ્રીલંકાની હાલની સ્થિતિ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જ્યારે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને ભારત સતત મદદ કરી રહ્યું છે. વિસ્તારવાદી ચીનની નીતિઓથી ભારત અને અમેરિકા સહિતના દુનિયાના મોટાભાગના દેશો માહિતગાર છે. દરમિયાન ચીનનું આધુનિક સુવિધાથી સજ્જ એક જહાજ શ્રીલંકાના બંદર ઉપર આવી રહ્યું છે. આ જહાજ પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને સૈન્ય મથકો પર નજર રાખવા માટે સક્ષમ હોવાથી ભારત ચિંતિત હોવાનું જાણવા મળે છે. વિસ્તારવાદી ચીન આ જહાજની મદદથી ભારતીય સૈન્ય મથકો અને ઉર્જા પ્લાન્ટની જાસુસી કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની આશંકા છે. ચીનનું જહાજ શ્રીલંકાના બંદર તરફ આગળ વધી રહ્યું છે. ચાઇના સંશોધન અને સર્વેક્ષણ જહાજ 11 ઓગસ્ટના રોજ દક્ષિણ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર પહોંચવાની અપેક્ષા છે. જહાજમાં 400 લોકોનો ક્રૂ છે. ઉપરાંત, તેના પર એક વિશાળ પેરાબોલિક એન્ટેના સ્થાપિત છે અને ઘણા પ્રકારના સેન્સર લગાવેલા છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું છે કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ નલિન હેરાથે કહ્યું કે, શ્રીલંકા ભારતની ચિંતાને સંપૂર્ણ રીતે સમજે છે કારણ કે આ જહાજ સૈન્ય સ્થાપનો પર નજર રાખવામાં સક્ષમ છે પરંતુ તે એક નિયમિત કવાયત છે.
તેમણે કહ્યું કે, “ભારત, ચીન, રશિયા, જાપાન અને મલેશિયાના નૌકાદળના જહાજોએ અમને સમયાંતરે વિનંતી કરી છે, તેથી અમે ચીનને પરવાનગી આપી છે. પરમાણુ સક્ષમ જહાજો આવવાના હોય તો અમે મંજૂરી આપતા નથી. તે પરમાણુ સક્ષમ જહાજ નથી.” તેમણે કહ્યું કે ચીને શ્રીલંકાને જાણ કરી કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે જહાજ મોકલી રહ્યાં છે. ચીની જહાજ યુઆન વાંગ 5 શ્રીલંકા પાસેથી ઇંધણ ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી.
કર્નલ હેરાથે કહ્યું, “ચીને અમને કહ્યું છે કે તેઓ હિંદ મહાસાગર ક્ષેત્રમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમના જહાજ મોકલી રહ્યા છે, તેનો સ્ટોપ ટાઈમ 11 થી 17 ઓગસ્ટ છે.
શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ચીનનું આ જહાજ ખૂબ જ સક્ષમ અને અદ્યતન નૌકાદળનું જહાજ છે. આ જહાજ પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને સૈન્ય મથકો પર નજર રાખવા માટે સક્ષમ હોવાને કારણે ભારત ચિંતિત છે. આ બાબતની પ્રત્યક્ષ જાણકારી ધરાવતી વ્યક્તિએ કહ્યું, “અમે જાણીએ છીએ કે ભારત અને ચીન હિંદ મહાસાગરમાં પ્રભાવ માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે, આવી સ્થિતિમાં ભારતને સૂચિત કરવું તે ચીનની ફરજ છે. આ પ્રથમવાર નથી જ્યારે ચીનના જહાજ અમારી જળસીમામાં પ્રવેશ કરી રહ્યું છે.