અમદાવાદઃ ગણેશોત્સવને સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યુ છે.
ગુજરાતમાં ગણેશોત્સવ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવવામાં આવે છે, 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ગયા વર્ષ 500થી 600 જગ્યાએ સાર્વત્રિક રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે પણ 600 જેટલા જાહેર સ્થળોએ ગણેશોત્સવ યોજાશે સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ વખતે પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે, જેના માટે તેઓ કેટલા દિવસ માટે સ્થાપન કરી રહ્યા છે, ક્યાં કરી રહ્યા છે, કેટલા લોકો દર્શન કરવા આવે તેવો અંદાજ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું વ્યવસ્થા કરી તેમજ વિસર્જનનો રૂટ અને કયા કુંડમાં વિસર્જન કરવાના છે તે તમામ માહિતી નોંધણી સમયે જ દર્શાવવી પડશે. ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. દરમિયાન પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યુ છે.
પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવી શકાશે નહીં, વેચી શકાશે નહીં અને સ્થાપના પણ કરી શકાશે નહીં. પીઓપીની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટ કરતાં વધારે રાખી શકાશે નહીં તેમ જ પીઓપીની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરી શકાશે નહીં. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તેમ જ જ્યાં વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમ જ મૂર્તિ રોડ પર મૂકવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડવી નહીં. પાણીમાં સરળતાથી ઓગળે નહીં તેવા ઝેરી કેમિકલ કે કલરનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવો નહીં.