Site icon Revoi.in

ગુજરાતમાં આજે તમામ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

Social Share

ગાંધીનગરઃ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આવતીકાલ તા.15 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલા ‘બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન’માં ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવશે.

આ અભિયાનમાં તમામ  જિલ્લા કચેરીઓ, નગરપાલિકાઓ, તાલુકા કચેરીઓ, ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ,બોર્ડ, નિગમો, સ્વાયત સંસ્થાઓ તેમજ પોતાના વિસ્તારમાં યોજાનાર સફાઈ અભિયાનમાં સહભાગી થવા  નગર- ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

પૂજય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતભરમાં તા.15 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતમાં તો આ સ્વચ્છતા અભિયાન તા. 15 સપ્ટેમ્બર થી તા.15 ઓક્ટોબર 2023 સુધી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યુ હતુ. મહાત્મા ગાંધીજીની સ્વચ્છ ભારતની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’નો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી  એટલે કે તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યા છે.

રાજ્યભરમાં નાગરિકોના સમર્થનથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતી બાદ બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમને શરૂ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપક્રમમાં દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા વધુ કટિબદ્ધ બને તે સમયની માંગ છે . દરેક ગુજરાતી  એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે.