ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા કોમ્યુનિટી હોલની બંદતર હાલત જોવા મળી છે, ગ્રામ્ય વિસ્તારોના સુખાકારી માટે કોમ્યુનિટી હોલનું સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેના કારણે હોલની હાલત ખંડેર બનતા લાખો રૂપિયા પાણીમાં વેડફાઇ ગયા છે. કોમ્યુનિટી હોલ લોકાર્પણ પહેલા જ ખંડેર બની ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં નાગરિકોનાં ઉપયોગ હેતુ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.24.30 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જ દિન સુધી લોકાર્પણ કરવામાં ન આવતા હોલ ખંડેર બની ગયો છે. હોલમાં તિરાડો જોવા મળી રહી છે. પ્રજાના પૈસાઓનો વેડફાટ થઈ રહ્યો છે, સરકારના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર પ્રકરણમાં જાગૃતિ દાખવી નાણાંકીય બરબાદી કરનારા વહિવટીતંત્રના જવાબદારો સામે જરુરી પગલા ભરે એવી માગ ઊઠી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરના ઘોઘા ગામમાં PGVCL કચેરી પાસે 2016-17ની ગ્રાન્ટમાંથી કોમ્યુનીટી હોલ બનાવવામાં આવ્યો હતો. જે હોલ બન્યા બાદ સ્થાનિક ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીને પરિણામે આજ સુધી તેનુ લોકાર્પણ પણ કરાયું નથી. અને લાખો રૂપિયાના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ આજે ખંડેર હાલતમાં છે. કોમ્યુનિટી હોલના ટોયલેટના બારી-બારણા તૂટી ગયા છે, તેમજ હોલના પટાંગણમાં પણ ઘાસ ઉગી નીકળવા સાથે આરસીસી હોલને તિરાડો પડી જવાથી ભારે દુર્દ્શાની હાલતમાં પરિવર્તીત થઈ ગઈ છે. સરકારી તંત્ર દ્વારા મિલકતો પાછળ અઢળક નાણા ખર્ચાયા બાદ સ્થાનિક વહિવટીતંત્રની બેદરકારીને કારણે ગ્રાન્ટના રુપીયા પાણીમાં જતા હોવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, સરકાર દ્વારા ફાળવાયેલ રૂપિયા 24.30 લાખ ગ્રાન્ટના નાણાનો ભરપુર વ્યય થયો હોવાનુ અને કોમ્યુનિટી હોલ પ્રત્યે વહિવટીતંત્રના સરકારી બાબુઓની બેદરકારીના કારણોસર આમ જનતા માટેનો હેતુ સિધ્ધ થાય એ પહેલા જ કોમ્યુનિટી હોલ નધણિયાતી હાલતમાં ખંડીયેર થઈ ગયો છે. ઘોઘા તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારોમાં ઉજ્જડ પડી રહેલા સરકારી ઇમારતોની બેદરકારીનું સર્વે કરાવી તેનો યોગ્ય ઉપયોગ શરુ કરાવે તો વિકાસના લટકતા ફળ માટે વલખા મારતા ગ્રામજનો ને તેનો પુરતા પ્રમાણમાં લાભ મળે અને સરકારના પારદર્શક વહીવટ સાથે લોકહીતનો હેતુ સિધ્ધ થાય એમ છે.