અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓ પાસેથી મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢનો અખિલ વિશ્વ સિંધી સમાજ મંદિર નિર્માણ માટે એક કિલો વજનની 200 ઈંટ આપશે.
ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દેશના 11 કરોડ પરિવાર પાસેથી મદદ માંગશે. દરમિયાન જૂનાગઢના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં વિવિધ જ્ઞાતિઓના 70 થી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા હતા. આ બેઠકમાં દરેક સમાજના નાગરિકોને ઉદાર હાથે પોતાનો આર્થિક સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. દરમિયાન અખિલ વિશ્વ સિંધી સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 1 કિલો ચાંદીની 200 ઈંટ આપવામાં આવશે, તેમ સિંધી સમાજના અગ્રણી કાળુભાઈ સુખવાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.