અમદાવાદઃ હળવદ જીઆઈડીસીમાં આવેલા એક કારખાનાની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં 12 જેટલા શ્રમિકોના મોત થયાં હતા. જ્યારે 20થી વધારે શ્રમિકોને ગંભીર ઈજા થઈ હતી. જેસીબીની મદદથી તંત્ર દ્વારા તુટેલી દિવાલનો કાટમાળ હટાવીને નીચે દબાયેલા શ્રમજીવીઓને બહાર કાઢવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ જીઆઈડીસીમાં આવેલી મીઠાની ફેકટરીમાં કોથળીમાં મીઠુ ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અચાનક દિવાલ ઘરાશાયી થઈ ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. 30થી વધારે શ્રમજીવીઓ દિવાલની કાટમાળ નીચે દબાયેલા હતા. દરમિયાન આ બનાવમાં 12 વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 20થી વધારે શ્રમજીવીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધે તેવી શકતા છે.
દિવાલ ધરાશાયી થવાની જાણ થતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરીમાં અડચણ ઉભી ના થાય તે માટે લોકોના ટોળાને હટાવ્યાં હતા. મીઠાના કારખાનામાં કેવી રીતે દિવાલ ધરાશાયી થઈ તે જાણી શકાયું નથી. તંત્ર દ્વારા દિવાસ ધરાશાયી થવાની ઘટનાની પોલીસ અને સ્થાનિક તંત્રએ તપાસ શરૂ કરી છે.