- આસામમાં ફરીવાર થશે લોકડાઉન
- સરકારે લોકડાઉનની કરી જાહેરાત
- કોરોનાને લઈને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
આસામ : કોરોનાવાયરસની બીજી લહેર હાલ શાંત પડી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. ત્યારે ભારતના પૂર્વમાં આવેલા આસામ રાજ્યમાં સરકારે ફરીવાર લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.
જો કે હજુ પણ દેશમાં એવા અનેક રાજ્યો છે, જ્યાં નોંધાતા કેસમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યમાં કોરોનાની રફ્તાર ઓછી થવાનું નામ નથી લઈ રહી.
આ દરમિયાન આસામના સાત જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામના સાત જિલ્લામાં આવતીકાલથી આગામી નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી લોકડાઉન રહેશે. કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવશે.
રેસ્ટોરંટ, દુકાનો, ખાનગી અને સરકારી પરિવહન બંધ રહેશે. આ ઉપરાંત આવતીકાલથી ઇન્ટર સ્ટેટ મૂવમેંટ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આસામમાં કોરોનાના એક્ટિવ કેસ 23590 છે. જ્યારે 4,91,561 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. આસામમાં 4683 લોકોના કોરોનાથી મોત થયા છે.
દેશમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર ન આવે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રોજ સરેરાશ 40 લાખ જેટલા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં સૌથી વધારે લોકોને વેક્સિન મળે તે માટેના પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.