અમદાવાદઃ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓનું 131 મહેકમ હોવુ જોઈએ. તેના બદલે 250 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત કેટલાક નિવૃત થયેલા આઈએએસની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. છતાં હજુ 60 જેટલા અધિકારીઓની ઘટ જોવા મળી રહી છે. જેથી વહિવટમાં તેની અસર પડી રહી છે. હાલ ગેસ કેડરના અધિકારીઓથી આઈએએસ અધિકારીઓની ખોટને સરભર કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના કુલ 26 વિભાગો, તેના અનેક પ્રભાગો અને સરકાર હસ્તકના વિવિધ બોર્ડ-નિગમો જેવા જાહેર સાહસો કાર્યરત છે. રાજયના 33 જિલ્લાઓ કલેકટરો, એટલાં જ જિલ્લા વિકાસ અધિકારીઓ, 252 તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ સહિતની સંખ્યાબંધ જગ્યાઓ ઉપર આઈએએસ ઓફિસરોની આવશ્યકતા રહે છે. જયારે બીજીબાજુ ગુજરાત માટે ભારત સરકારે 313 આઈએએસ ઓફિસરોનું મહેકમ નકકી કર્યું છે પણ કમનસીબે ગુજરાતમાં આશરે 250 જેટલા આઈએએસ ઓફિસરો જ કાર્યરત છે. એટલે નિવૃત અધિકારીઓની સેવા લેવામાં આવી રહી છે. છતાં હજુ 60થી વધુ આઈએએસ અધિકારીઓની ઘટ પ્રવર્તી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નિવૃત થયેલા કેટલાક સનદી અધિકારીઓને ઘણી સારી અને વગદાર જગ્યાઓ ઉપર સેવાઓ લેવામાં આવી રહી છે. જેમાં ખુદ મુખ્યમંત્રીના કાર્યાલયમાં જ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચીવ તરીકે કે.કૈલાશનાથન ઉપરાંત ડો. હસમુખ અઢીયા અને એસ.એસ.રાઠોર નિમ્યાં છે. આ ઉપરાંત તાજેતરમાં જ નિવૃત થયેલા અનીતા કરવલને રેરા-ગુજરાતમાં નિમણુંક આપી છે. એવી જ રીતે એસ.એસ.રાઠોરને ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશનના પણ ફુલટાઈમ એમડી તરીકે સેવા લેવામાં આવી રહી છે. જયારે ડો. હસમુખ અઢીયાને ગિફટ સીટી, જીએમડીસી, ગુજરાત આલ્કલીઝમાં જવાબદારી સોંપાઈ છે. ઘણા વર્ષો પહેલા નિવૃત થયેલા તપન રેને પણ ગિફટ સીટીના ગ્રુપ સીઈઓ-એમડી પદે કામગીરી સોંપાઈ છે. ડો. રાજવકુમાર ગુપ્તાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની જવાબદારી સોંપાઈ છે. રાજય ચૂંટણી પંચમાં પણ નિવૃત આઈએએસ ઓફિસર સંજય પ્રસાદ, વિજિલન્સ કમિશનમાં સંગીતાસિંઘ, રેવન્યુ ટ્રીબ્યુનલમાં લલીત પાડલીયાને નિયુક્ત કરાયા છે.