અમદાવાદઃ નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ માટે આજે તા. 26મીને ગુરૂવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ટેન્ટ સિટી ખાતે વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં વેસ્ટર્ન રીજીયનના સરકારી, ખાનગી તથા ડીમ યુનિવર્સિટીના કુલપતિઓ અને ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.
નર્મદા જિલ્લાના કેવડીયામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં આયોજીત કરાયેલી વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન આજે તા.26ને ગુરૂવારે સવારના 9-30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. બુધવારે સાંજના 6-30થી 7-30 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક ગરબા-પ્રાચીન અર્વાચીન, ટીમલી અને ટ્રેડીશનલ રાસનો કાર્યક્રમ યોજાયો હતો.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024ના ભાગરૂપે એક પ્રિ-સમિટ તરીકે યોજાનારી આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ-દીવ, ગોવા અને દાદરાનગર હવેલીના 400થી વધુ વાઈસ ચાન્સેલર્સ અને એનઈપી કોઓર્ડિનેટર્સ ભાગ લેશે. અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સરળ અમલીકરણ અંગે વિવિધ સત્રોમાં સહભાગી બની ગહન ચિંતન-ચર્ચા -વિચારણા કરશે. અને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે.
આ એક દિવસીય કોન્ફરન્સમાં ગુજરાતના આરોગ્ય, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ માટેના રાજયકક્ષાના મંત્રી પ્રફુલ્લ માનશેરિય પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપિત નીરજા ગુપ્તા પણ હાજર રહેવાના છે જેમનું આ કોન્ફરન્સમાં પ્રથમ સંબોધન રહેશે. ભારત સરકારના યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશનના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશકુમાર અને એઆઈસીટીઈના અધ્યક્ષ પ્રો. ટી.જી. સીથારામ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સરકારી અને પ્રાઈવેટ યુનિ.ના વી.સી. અને રજીસ્ટ્રાર પણ ભાગ લેશે.