રાજકોટઃ શહેરની એઈમ્સ હોસ્પિટલમાં OPD સેવાનો પ્રારંભ કરાયા બાદ હવે IPD સોવાનો પણ પ્રારંભ કરાશે. આગમી 24મી અને 25મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના એઈમ્સની IPD સેવાનું લોકાર્પણ કરશે. સાથે જ એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)ની કન્ટેનર હોસ્પિટલ સેવાને પણ પ્રાયોગિક મંજુરી આપવામાં આવશે. આ ક્ન્ટેનર હોસ્પિટલ અદ્યત્તન સાધન સામગ્રીથી સજ્જ હશે, અને કોઈ દૂર્ઘટનામાં સ્થળ પર જઈને ત્વરિત તબીબી સારવાર આપી શકાશે. કન્ટેનર મોબાઈલ હોસ્પિટલમાં દર્દીઓને 23 સારવાર ઓન ધ સ્પોટ મળી રહેશે
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 તારીખે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની પ્રથમ રાજકોટની AIIMS હોસ્પિટલની મુલાકાત લઈને IPD સેવાનો પ્રારંભ કરાવશે. રાજકોટ નજીક આવેલા પરાપીપળીયા ગામે એઈમ્સ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. ત્યારે અહી દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ પણ બનશે. દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ પ્રયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. આ કન્ટેનર હોસ્પિટલની મદદથી કોઈપણ સ્થળે દુર્ઘટનામાં AIIMSની મોબાઈલ હોસ્પિટલ તુરંત પહોંચશે, આ 23 સારવાર ઓન ધ સ્પોટ મળશે.
ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટમાં જામનગર હાઇવે પર પરાપીપળિયા ગામ ખાતે 1200 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ IPD સેવા પણ આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં એઈમ્સની IPDનું લોકાર્પણ કરાશે. આ સાથે દેશભરમાં કાર્યરત 23 AIIMS પૈકી માત્ર રાજકોટ અને ભુવનેશ્વર એઇમ્સને કન્ટેનર હોસ્પિટલ માટે પ્રયોગિક ધોરણે મંજૂરી આપવામાં આવી છે અને આ માટે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, IPD સેવા શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રભરના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહેશે અને તેમાં 15 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સારવાર સહિત કુલ 23 જેટલી સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. મોબાઈલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, મિની ઓપરેશન થિયેટર, દવા સહિતની સુવિધા રાખવામાં આવશે. રાજકોટ AIIMSમાં મોબાઈલ કન્ટેનર હોસ્પિટલ માટે જમીનની પસંદગી પણ કરી લેવામાં આવી છે. આ મોડ્યુલ તૈયાર થયા બાદ તેનો ઉપયોગ સરળતાથી થઇ શકશે અને સફળ થશે તો આ પ્રયોગ દેશની અન્ય એઇમ્સમાં પણ કરવામાં આવશે.