Site icon Revoi.in

વડોદરા નજીક કન્ટેનર પલટી ખાઈને કાર પર ખાબક્યું, કારના 4 પ્રવાસીનું રેસ્ક્યુ કરાયું

Social Share

વડોદરાઃ શહેર નજીક કપુરાઈ ચોકડી નજીક અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો. ગઈ મોડી રાતે ટ્રક-કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક-કન્ટેનર કાર પર ખાબક્યું હતું. ભારેખમ કન્ટેનરને લીધે કાર સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો  દોડી આવ્યા હતા. અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દરમિયાન ફાયર વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. કારમાં રહેલાં ચાર લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા.

વડોદરા શહેર પાસેથી પસાર થયાં હાઈવે પર તરસાલી બ્રિજથી કપુરાઇ ચોકડી તરફ આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફ જતું કન્ટેનર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કન્ટેનર નીચે કાર દબાઈ ગઈ હતી.  સુરત તરફથી આવતી કાર પર કન્ટેનર ખાબક્યુ હતુ, જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ બનાવ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણ વ્યક્તિનું દિલ ધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ કારમાં કુલ ચાર વ્યક્તિ સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા ક્રેનની મદદ લઈ ટ્રકને હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. જોકે, આ ઘટનામાં ચમત્કાર થયો હોય તેમ એક પણ વ્યક્તિને મોટી ઈજા થઈ નથી.

વડોદરા જીઆઇડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહમત બાદ ત્રણ વ્યક્તિ કે જેઓ કારમાં ફસાયેલા હતાં, જેમાથી અજયભાઈ, સંદીપભાઈ, તુષારભાઈ નામના વ્યકિતને સામન્ય ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકજામને હળવો કરવાની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. આ અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે કારચાલક સંદીપભાઈએ જણાવ્યું હતું કે, અમે સુરતથી કેશોદ તરફ જઈ રહ્યા હતા. અમારી કાર ચાલતી હતી અને તેની બાજુમાં એક કાર ચાલતી હતી. તે કારના ચાલકે કાવું મારતા તે નિકળી ગઈ અને અમે તેને બચાવવા જતાં અચાનક પાછળથી આવી રહેલા કન્ટેનરનું બેલેન્સ ખોરવાઈ જતાં કાર ઉપર કન્ટેનર ખાબક્યુ હતુ. કારમાં સવાર ચારે ચાર વ્યકિતને સામાન્ય ઈજાઓ જ પહોંચી છે.