Site icon Revoi.in

ગાંધીનગરની સરકારી લાયબ્રેરીમાં ભાજપ યુવા મોરચાએ સદસ્યા અભિયાન શરૂ કરતા વિવાદ સર્જાયો

Social Share

ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષ દ્વારા સદસ્યા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ટાર્ગેટ પુરો કરવા માટે શાળા કોલેજોમાં જઈને પણ સભ્ય નોંધણી કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં વિધાનસભા અને સચિવાલય સંકુલની નજીક સેકટર-17 ખાતે આવેલી સરકારી મધ્યસ્થ લાઈબ્રેરીમાં ભાજપના સભ્યોએ સદસ્યતા અભિયાન રાખ્યું હતું. ભાજપ યુવા મોરચાના સભ્યોએ સરકારી લાઈબ્રેરીમાં આવીને કાર્યક્રમ શરૂ કરી દીધો હતો અને મોબાઈલ એપ મારફતે ભાજપના સભ્યોની સંખ્યામાં ઉમેરો કરાયો હતો. જોકે સરકારી સંકુલમાં આવીને સભ્ય નોંધણી કરવામાં આવતા તે સામે વિરોધ ઊભો થયો છે,
સૂત્રોના જણાવ્યા મુજબ ઘર કે હોસ્ટેલના ઘોંઘાટથી દૂર રહીને શાંતિથી અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્યાર્થી સેક્ટર-17ની લાઈબ્રેરીમાં આવતા હોય છે. ભાજપના કાર્યકરોની આ મનમાનીનો વિરોધ કરવાનું દુઃસાહસ વિદ્યાર્થીઓ કરી શક્યા નહતા . જો કે વાંચનનો  સમય બગડ્યો હોવાના મામલે આંતરિક નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે લાઈબ્રેરીમાં અવાજ થાય કે લોકો ભેગા થાય તો તાત્કાલિક લાઈબ્રેરીનો સ્ટાફ ટકોર કરતો હોય છે. જોકે  ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ લાઈબ્રેરીમાં આવીને વિદ્યાર્થીઓને વાંચનથી વંચિત રાખ્યા હોવા છતાં તંત્ર ચૂપ રહ્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, શાસક પક્ષના સભ્યો સરકારી તંત્રનો રાજકીય દુરુપયોગ કરતા આવ્યા છે. હવે, તો તેમણે સરકારી ઈમારતોનો પણ પ્રચાર માટે ઉપયોગ કર્યો છે અને વિદ્યાર્થીઓને રીતસરના બાનમાં લીધા હોય તેવો માહોલ ઊભો કર્યો છે. બહુચરાજીની સરકારી કોલેજમાં ઘૂસીને ભાજપ દ્વારા થયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમના પડઘા હજુ સમ્યા નથી ત્યાં ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે. જેમાં ભાજપના કાર્યકરોએ સેક્ટર-17ની સરકારી મધ્યસ્થ લાઈબ્રેરીમાં ઘૂસીને સદસ્યતા અભિયાન યોજી દીધું હતું. જેને પગલે વિદ્યાર્થીઓના કલાકો બગડ્યાં હતા. સરકારી મધ્યસ્થ લાઈબ્રેરી ખાતે શાંતિથી વાંચન કરતાં વિદ્યાર્થીઓના ખલેલ ત્યારે પહોંચી જ્યારે ભાજપના કેટલાક કાર્યકરો અંદર ઘૂસી આવ્યા હતા. વિદ્યાર્થીઓ કઈ વિચારે તે પહેલાં જ મહાનગર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને મોબાઈલ એપ મારફતે ભાજપા સદસ્ય બનાવાયા હતા. જેમાં અનેક વિદ્યાર્થીઓએ મને-ક-મને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઘર કે હોસ્ટેલના ઘોંઘાટ વચ્ચે શાંતિથી વાંચન માટે સેક્ટર-17ની લાઈબ્રેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. શાંતિથી વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓના કલાકો બગડતાં અનેક વિદ્યાર્થીઓએ આંતરિક રોષ જોવા મળ્યો હતો.