અમદાવાદના લાલ દરવાજા સિટી બસ ટર્મિનલના છેડે, ભદ્ર ખાતે ગંગા ગોવિદ મંગલ ભુવન હોલ, મ્યુનિસિપલ સ્નાનાગારની બાજુમાં કાલે તા. 10મી ડિસેમ્બરને રવિવારે શ્રમિક સંઘર્ષ સંમલેન યોજાશે. માનવ અધિકાર દિવસ નિમિતે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના અધિકારોની પ્રાપ્તિ માટે લડતા અને સંઘર્ષ કરતાં સંગઠનો અને સંસ્થાઓએ સાથે મળીને ‘અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ (ગુજરાત)’ ના બેનર હેઠળ શ્રમિકોનું સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં 20 જેટલા સંગઠનો ભાગ લેશે. એમાં ખેત, શેરડી કાપણી બાંધકામ, ઇંટ ભઠ્ઠા, મનરેગા, ડોમેસ્ટિક, હોમ બેઝડ, કચરો ઉપાડનારા, મત્સ્ય કામદારો, રિક્ષાચાલકો, ઘરઘાટી, કોન્ટ્રાક્ટ લેબર, દાડિયા, હમાલ, સફાઈ કામદાર વગેરેનો સમાવેશ થાય છે.
આ સંમેલન યોજવાનો મુખ્ય હેતુ માનવ અધિકાર દિવસે ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની પ્રવર્તમાન સ્થિતિ અને તેનાં પ્રશ્નોને ઊજાગર કરવાનો છે. તેમજ રાષ્ટ્રિય સ્તરે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે એક સર્વગ્રાહી અલાયદા કાનૂનની માંગ ચાલી રહી છે, તેની જાણકારી સંગઠનો અને સંસ્થાઓ સુધી પહોંચાડવાનો છે. સંમેલનમાં એક સંયુક્ત માગ પત્ર રજૂ કરવામાં આવશે, જે આગામી રણનીતિનો ભાગ બનશે.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રવિવારે યોજાનારા અસંગઠિત શ્રમિકોના સંમેલનમાં બાંધકામ શ્રમિક સંકલન સમિતિ (બાંધકામ મઝદૂર સંગઠન,મજુર અધિકાર મંચ, બાંધકામ મઝદૂર વિકાસ સંઘ), અમદાવાદ કામદાર સુરક્ષા અભિયાન, અસંગઠિત કામદાર સંઘ (ઈન્ટુક), ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યૂસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયન, પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચ (PSSM) – સુરત, ગુજરાત ઘરગથ્થુ કામદાર યુનિયન, ગુજરાત ખેત કામદાર યુનિયન, અને રાષ્ટ્રિય રોજગાર ખાત્રી કાયદા હેઠળ કામદાર યુનિયન તેમજ અગરિયા મહા સંઘ તથા સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ સહિત 20 શ્રમિક સંગઠનો ભાગ લેશે. (FILE PHOTO)