અમદાવાદઃ શહેરમાં તા. 20મી જૂનને અષાઢી બીજના શુભદિને પરંપરાગતરીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી નગરની પરિક્રમાએ નિકળશે, ભગવાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. રથયાત્રા માટે પોલીસે સઘન બંદોબસ્તનું આયોજન કર્યું છે. રથયાત્રા માટે પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી – કર્મચારીઓ ફરજરત રહેશે. એટલું જ નહીં, 45 જેટલા સેન્સિટીવ લોકેશન પરથી 94 સી.સી.ટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે.
આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર સીસીટીવી અને જીપીએસ સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો મેળવવામાં આવશે જ્યારે 32 ઉડાન દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું છે. 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતા ની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે રથયાત્રા સંદર્ભમાં શહેર પોલીસની આગોતરી તૈયારીઓનું પ્રેઝન્ટેશન આ સમીક્ષા બેઠકમાં કર્યું હતું. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નિગરાની રાખવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મળીને 198 જેટલી રથયાત્રાઓ તેમજ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય 6 નાની રથયાત્રાઓ પણ અલગ અલગ વિસ્તારો માથી નીકળે છે. આ બધી જ નાની મોટી રથ યાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા ભૂપેન્દ્ર પટેલે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ રથયાત્રા દરમિયાન કોઈ અનઅધિકૃત ડ્રોન ઉપયોગમાં ન લઈ શકાય તે માટે એન્ટી ડ્રોન ટેકનોલોજી નો પણ આ વખતે પ્રથમવાર ઉપયોગ કરવામાં આવશે તેની વિગતો પણ આપી હતી.