અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામ ગતિએ વાહનો અકસ્માત બાદ રફુચક્કર થઈ જતા હોય છે. શહેરના વટવા રિંગ રોડ પર ગામડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર દંપતીનું કરુણ મોત નીપજ્યું હતું. મહિજડા ગામમાં રહેતા દંપતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંનેનાં મોત નિપજ્યા હતા.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના અસલાલી ચારસ્તા નજીક આવેલા ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મહિજડા ગામનું દંપતી બાઇક પર અસલાલી ચારસ્તા તરફથી ઓઢવ જઈ રહ્યું હતું ત્યારે ગામડી ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહને તેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર જઈ રહેલા દંપતીનું મોત નિપજ્યુ હતું. જોકે, 4 કલાક વીતવા છતાં પણ ઘટનાસ્થળેથી મૃતદેહનો કબજો લેવાની પરિવારજનોએ ના પાડી હતી. જેને પગલે ગામડી ચારરસ્તા પર ટ્રાફિકની અવર જવર થોડા સમય માટે બંધ રહી હતી. ગામડી ચારરસ્તાની બંને તરફ 3 – 3 કિમી વાહનોની લાઈન લાગી હતી.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત મૃતક દંપતીનાં પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે બંને મૃતકના નામ ક્રમશઃ નરેશ પટેલ અને દીપા નરેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સતત આ રસ્તા પર અકસ્માત થતો હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ચારસ્તા પર લાગેલા CCTV ફૂટેજમાંથી દંપતીને અડફેટે લેનાર વાહનની ઓળખ આપવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી. અગાઉ 31 ડિસેમ્બરે પણ આ ચોકડી પર અકસ્માતનો બનાવ બન્યો હતો. એ સમયે પણ અકસ્માતના CCTV ફૂટેજ ના મળ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. ગામડી ચારરસ્તા પર લાગેલા CCTV ફૂટેજ બંધ હોવાનો સ્થાનિકો અને પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો. ત્યારે હવે ફરી ગામડી ચારસ્તા પર જ અકસ્માત સર્જાતા, CCTV ફુટેજ અંગે કોઈ જાણકારી ના આપવામાં આવતા સ્થાનિકોએ મૃતદેહ લેવાની ના પાડી હતી. સ્થાનિકોએ ગામડી ચારસ્તા પર ટ્રાફિક જામ કર્યો હતો. ગ્રામજનોના વિરોધને પગલે પોલીસનું ઘટનાને લઈને મૌન જોવા મળ્યુ હતું. વટવા પોલીસ સ્ટેશનના પીઆઈને ઘટના અંગે જાણ કરાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે, 4 કલાક વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી શરૂ કરાઈ ન હતી.