Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રીના બ્રિજ પાસે મગરે કર્યો મહિલાનો શિકાર

Social Share

વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટાપાયે વસવાટ છે. તાજેતરમાં શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી કેટલાક વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે મગરો પણ તણાઈને આવ્યા હતા. નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પણ ઘણીવાર મગરો ઘૂંસી જતાં હોય છે. ત્યારે શહેરના વિશ્વામિત્ર બ્રિજ પાસે  વહેલી સવારે એક મગર મહિલાનો મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળાં એકઠા થયા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો.

વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. જેથી મગરોને જોવા લોકો ઉમટતા હોય છે. દરમિયાન વહેલી સવારે કાલાઘોડા પાસે એક મહાકાય મગર કિનારે આધેડ વયની મહિલાના મૃતદેહને મોઢામાં લઈને નજરે પડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા દાંડિયા બજારની ટીમ દોડી આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બીજા ત્રણથી ચાર મગરો પણ આજુબાજુમાં ફરતા નજરે પડ્યા હતા. જેથી તેમને મોટા વાસ પછાડીને મગરોને ભગાડ્યા હતા. દરમિયાન એક મહાકાય મગર મહિલાનો મૃતદેહ લઈને નદીમાં ઉતરી જતા ફાયર બ્રિગેડે બિલાડી (નદીમાંથી કોઈપણ વસ્તુ ખેંચી લાવતું એક પ્રકારનું સાધન) નાંખતા મગર મૃતદેહ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.  પોલીસ દ્વારા મહિલા ક્યાંની હતી અને કેવી રીતે બનાવ બન્યો છે તે જાણવા માટે શહેર જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.