- મગરને જોઈને પરિવાર ગભરાઈ ગયો,
- વાઈલ્ડ લાઈફ અને ફોરેસ્ટના કર્મદારીઓ દોડી ગયા,
- વડોદરામાં કાલાઘોડાના બ્રિજ પર મગરને જોતા લોકોએ નાસભાગ કરી
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી તેમજ જિલ્લાના તળાવોમાં મગરોની વસતી વધી રહી છે. ભારે વરસાદ અને પૂરને લીધે મગરો રોડ-રસ્તાઓ પર આવી જતાં હોય છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગતરાત્રે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો. જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોનાં ટોળાં મગરને જોવા માટે ઊમટી પડ્યાં હતાં.દરમિયાન સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને 7 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતેથી 4 ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર મગર આવી ચડ્યો હતો. રાત્રે 3 વાગ્યે સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપસિંઘને કરજણ તાલુકાના સંતોષનગરમાંથી કોલ આવ્યો હતો કે, અમારા ઘરની બહાર એક મગર આવી ગયો છે, જેથી સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ વન વિભાગના મહિપાલસિંહ બોડાણાને સાથે રાખી સ્થળ પર પહોચ્યા હતા. અને 7 ફૂટના મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને સહી સલામત રીતે કરજણ વન વિભાગને સોંપ્યો હતો.
બીજા બનાવમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ગતરાત્રે 10 વાગ્યે વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનથી વિક્રમ મહારાજનો કોલ આવ્યો હતો કે, એક મગર આવી ગયો છે, જેથી તુરંત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકર હિતેષભાઈ અને અરુણભાઇ સ્થળ પર પહોંચી ગયા હતા અને 4 ફૂટના મગરને એક કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સુપરત કર્યો હતો.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખૂંખાર મગરને રેસ્ક્યૂ કરવા એ ખૂબ મુશ્કેલીભર્યું કામ છે. મગરને પકડ્યા બાદ એની ઉપર ચારથી પાંચ યુવાનો એકસાથે બેસી જાય છે અને પછી આખી ટીમ દ્વારા મગરનું મોઢું બાંધી દેવામાં આવે છે અને તેના પગ પણ બાંધી દેવામાં આવે છે અને તેને ધીમે ધીમે દોરીથી ખેંચીને પાંજરા તરફ લઈ જવાય છે. આ આખી પ્રક્રિયામાં કલાકોનો સમય વીતી જાય છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદી પરના કાલાઘોડા બ્રિજ પર 9 ફૂટ લાંબો મગર જોતા રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સામાન્ય રીતે રાહદારીઓ અહીં ઊભા રહી નદીનું લેવલ જોતા હોય છે.