ગોરજ ગામ નજીક દેવ નદીને કાંઠે કપડાં ધાઈ રહેલી બાળાને મગરે ફાડી ખાધી
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ નજીક આવેલા વલવા ગામે દેવ નદીમાં બે મગરના મોંમાંથી માસૂમ બાળાને વડોદરાના ફાયરબ્રીગેડના લાશ્કરોએ હિંમતભેર સામનો કરાવીને મુક્ત કરાવી હતી. નદી કિનારે કપડા ધોઇ રહેલી બાળાને મગરો ઝાડી-ઝાંખરામાં ખેંચી ગયા હતા. લશ્કરોએ ભારે જહેમત બાદ તેને શોધી કાઢીને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. જો કે, બાળાને મૃત જાહેર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાંથી પસાર થતી દેવ નદીમાં મગરોનો ત્રાસ વર્ષોથી છે. વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની નજીક વલવા ગામે નદીમાં મોહનપુરા ગામની તુલસી હરીશભાઇ નાયક નામની બાળા નદી કિનારે કપડાં ધોઈ રહી હતી ત્યારે મગર ખેંચી ગયો હોવાની જાણ થઇ હતી. જેના પગલે વડોદરાની એક ટીમને મોકલવામાં આવી હતી. આ ટીમે ઘટનાસ્થળે પહોચીને તપાસ કરતાં બાળાને મગરો ઝાડી ઝાંખરામાં ખેંચી ગયા હોવાની વિગતો મળી હતી. પરંતુ હિમતવાન લાશ્કરોએ ઘટના સ્થળે પહોચી જઇને બાળાની નજીકથી બે મગરોને દૂર કરી દીધા હતા. બાદમાં નદીની અંદરના ભાગે ઝાડી –ઝાંખરામાંથી બાળાને બહાર કાઢી હતી.
લાશ્કરોની ભારે જહેમત બાદ બહાર નિકળેલી બાળાને ગામના સરપંચ તથા પરિવારજનોને સોંપી હતી. બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. બનાવના પગલે ગામના લોકોના ટોળાં નદી કિનારે જોવા મળ્યા હતા. ગામના યુવાનો દ્વારા મગરોની હિલચાલ પર સતત નજર રાખીને અગ્નિશમન દળના જવાનોને માહિતી આપવામાં આવતી હતી. ટોળાના પગલે માહોલમાં ઉત્તેજના આવી ગઇ હતી.