અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ તમામ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે સરકારે તહેવારોના ટાણે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો કરતા કોંગ્રેસે ગેસના સિલિન્ડરના ભાવ વધારોને સખત વિરોધ કર્યો છે.
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ઘરેલુ ગેસ એલપીજીની વપરાશમાં રૂ. 25નો ભાવ વધારો ઝીંકાતા સિલિન્ડરનો ભાવ રૂ.900 સુધી પહોંચવા આવ્યો હોવાનું પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 8 મહિનામાં સીલિન્ડરના ભાવમાં રૂ. 165.50નો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ-ગરીબ વર્ગના લોકો હાલત કફોડી બની છે. વર્ષ 2020-21 કેન્દ્રિય બજેટમાં એલપીજી સીલીન્ડર માટે રૂ. 40,915 કરોડની જોગવાઇ કરાઇ હતી. જેની સામે વર્ષ 2021-22માં રૂ.12,995 કરોડની જોગવાઇ કરાઇ છે, એટલે કે, રૂ.27,920 કરોડનો સીધો બોજો પ્રજા પર નખાયો છે. સરકાર પોતાના ખર્ચા ઓછા કરતી નથી અને ટેક્સમાં વધારો કરીને ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બનાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ સદીને વટાવી ગયા બાદ પણ સરકારને પ્રજાજનોની ચિંતા થતી નથી. પેટ્રોલ અને ડિઝલ, અને રાધણ ગેસ પરના ટેક્સથી સરકારને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. વિકાસકામોના નામે સરકાર પ્રજાના ટેક્સના પૈસા બરબાદ કરી રહી છે.