ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર સહિત નિયુક્તિના મુદ્દે કોકડું ગૂંચવાયું, 18મીએ બેઠક મળશે
ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન સહીતના પદાધિકારીઓની ગઈ તા. 20 મી એપ્રિલના રોજ મુદત પૂર્ણ થઈ જતાં મહત્વના હોદ્દા મેળવવા માટે ભાજપના કોર્પોરેટરોમાં લોબિંગ ચાલી રહ્યું હતું. પ્રદેશ કમાન્ડે આ નિર્ણય દિલ્હીથી લેવાશે એવું કહી દીધુ છે. પણ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે 10મી જૂને સામાન્ય સભા યોજાવાની હતી. જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાયા પછી એકાએક ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ અનિવાર્ય કારણસર આવતીકાલની સભા રદ કરીને 18 મીએ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં હાલના મેયર સહિતના પદાધિકારીઓની ટર્મ 29 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. આજે 10 જૂને જીએમસીની સામાન્ય સભામાં મેન્ડેટ આપીને નવા પદાધિકારીઓની નિમણુંકો કરવાની હતી પણ આજે મળનારી બેઠક મુલત્વી રાખવામાં આવી છે. હવે 18મી જુને બેઠક મળશે. કહેવાય છે કે, મ્યુનિના. મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકનું કોકડું ગૂંચવાયુ છે. પોતાને પદ મળે તે માટે વગદાર કોર્પોરેટરો દબાણ કરી રહ્યા છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે. 44 માંથી 41 કોર્પોરેટરો ભાજપ તરફે ચુંટાઈને આવ્યા હતા ત્યારબાદ લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ 43 થઈ ચુક્યું છે. આ સ્થિતિમાં હાલના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનની મુદત ગત 20 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે સાતમી મેએ લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે પહેલા સામાન્ય સભા બોલાવી શક્ય ન હતી. જેથી લોકસભા ચુંટણી પૂર્ણ થતાની સાથે જ 10મી જુને સામાન્ય સભાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પદાધિકારીઓની નિમણુંક બાબતે કોઈ નિર્ણય ન લેવાતા હવે 18મી જુને સામાન્ય સભા મળશે.