અમદાવાદઃ ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે ત્રીજા રાઉન્ડ બાદ સીટો વધારવી કે કોલેજને મંજુરી આપવી તે નક્કી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના એડમીશન કમિટીના સભ્ય જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહના 100 ટકા પરિણામના કારણે પ્રવેશને લઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યાં છે.ગત વર્ષે 40 હજાર સીટ સામે 43 હજાર 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ બાદમાં 7થી 8 રાઉન્ડ પુરા થયા બાદ પણ 33 હજાર વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો હતો. આ વર્ષે 40 હજાર સીટ ઉપરાંત 1 હજાર સીટ નવા કોર્ષની છે એટલે કુલ 41 હજાર સીટ છે. આ વર્ષે 63 હજાર 500 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓ પણ છે. જેમાંથી 13-14 હજાર વિદ્યાર્થીઓ આર્ટસમાં પ્રવેશ મેળવે તેવી શક્યતા છે.એટલે 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ કોમર્સમાં પ્રવેશ મેળવે જેની સામે 41 હજાર સીટ છે.અત્યારે 45 હજાર 500 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીમાં પણ પ્રવેશ લીધો છે. એટલે 41 હજાર સીટ કરતા 2થી 3 હજાર વિદ્યાર્થીઓ વધવાની શક્યતા છે. પ્રવેશ પ્રક્રિયાના બીજા ત્રીજા રાઉન્ડ બાદ બેઠક વધારવી કે કોલેજ વધારવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેની યુનિવર્સિટી તકેદારી રાખશે. ગુજરાત યુનિવર્સિટી પાસે B.COM,BBA,BCA,ઈન્ટિગ્રેટેડ,MBA,MSC IT સહિતના કોર્ષમાં 65 હજારથી વધુ બેઠક છે. દર વર્ષે કેટલીક બેઠક ખાલી રહે છે પરંતુ આ વર્ષે તમામ બેઠક ભરાઈ જશે. ઉપરાંત 20 હજાર બેઠક વધુ ભરાઈ તેવી શક્યતા છે. એટલે 85 હજાર બેઠક ભરાય તેવી શક્યતા છે.85 હજાર રજિસ્ટ્રેશન થાય કે તેથી વધુ રજિસ્ટ્રેશન થાય પરંતુ અમારી પાસે વ્યવસ્થા છે. તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે. કોઈ પણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત નહિ રહે. એવું કુલપતિએ જણાવ્યું હતું.