Site icon Revoi.in

ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડના અપગ્રેડેશન માટે જાપાનના પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત

Social Share

ભાવનગરઃ જિલ્લાનો અલંગ ખાતેનો શીપબ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડને આધૂનિક ટેકનોલોજી કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય, ફંડિંગ, ટીએસડીએફ સાઇટનું અપગ્રેડેશન કઇ રીતે કરી શકાય તેના અભ્યાસ કરવા માટે જાપાની પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવ્યુ હતુ. ક્યાં અપગ્રેડેશન કરી શકાય તેની નોંધ લેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અલંગમાં શીપ બ્રેકિંગ માટેની ટેકનોલોજી જુની હોવાથી વધુ માનવ બળ સાથે ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે. તેથી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે. હાલ જાપાની પ્રતિનિધિ મંડળ યાર્ડના અપગ્રેડેશનની શક્યતા તપાસવા માટે અલંગની મુલાકાતે આવ્યું છે. આ અંગે કન્સલટન્ટના જણાવ્યા પ્રમાણે, પ્રવાસી પ્રતિનિધિઓએ અલંગમાં આવેલા પ્લોટ નં.25, 39, 88, વી-1 સહિતના શિપ રીસાયકલિંગ પ્લોટની મુલાકાત લીધી હતી. જાપાન મરિન સાયન્સ, એનવાયકે શિપિંગ લાઇન્સ, હોનો એસોસિએટ્સ સહિતની એજન્સીઓના પ્રતિનિધિઓએ અલંગની મુલાકાત લીધી હતી અને અલંગમાં કેવી રીતે જહાજ ભાંગવામાં આવી રહ્યા છે, કામદારોને કેવા પ્રકારની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, શિપ ભાંગવામાં કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જોખમી કચરાનું સંચાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તેનું મુલ્યાંકન કર્યુ હતુ.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અલંગ-સોસિયા શિપ રિસાયક્લિંગ યાર્ડ, અન્ય દક્ષિણ એશિયાના યાર્ડ્સની જેમ, આંતર ભરતી ઝોનમાં રિસાયક્લિંગ કામગીરી હાથ ધરે છે. આ યાર્ડ્સ વોલ્યુમની દ્રષ્ટિએ અને રિસાયકલ કરી શકાય તેવા જહાજોના કદ બંનેમાં વિશ્વની જહાજ રિસાયક્લિંગ ક્ષમતાના નોંધપાત્ર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. અલંગ યાર્ડ્સ 1983 થી કાર્યરત છે અને તેણે ભારતના અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ભારત ટકાઉ જહાજ રિસાયક્લિંગ પ્રેક્ટિસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે, અને જાપાની પ્રતિનિધિમંડળની આ મુલાકાત ઉદ્યોગમાં ભાવિ સહયોગ અને ભાગીદારી માટે માર્ગ મોકળો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત ઇકો-ફ્રેન્ડલી શિપ રિસાયક્લિંગ પ્રેક્ટિસમાં વૈશ્વિક નેતા તરીકે પોતાને સ્થાન આપવાનું ચાલુ રાખે છે, આ મુલાકાત સેક્ટરમાં વૃદ્ધિ અને વિસ્તરણની સંભાવનાને રેખાંકિત કરે છે. વિશ્વની નામાંકિત શિપિંગ કંપનીઓ વાન હાઇ અને એમએસસી દ્વારા તાજેતરમાં તેઓના જહાજ અલંગમાં ભંગાવા માટે મોકલ્યા છે. વાન હાઇ કંપનીએ અત્યારસુધીમાં પહેલી વખત તેઓના જહાજ અલંગમાં મોકલ્યા છે. અલંગમાં ટેકનોલોજી અપગ્રેડેશનની નોંધ લેવાઇ રહી છે.