નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી રાઉઝ એવન્યુ કોર્ટે 19 જૂન સુધી લંબાવી છે. સાત દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાત દિવસની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. ચુકાદાની જાહેરાત દરમિયાન કેજરીવાલના વકીલે તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આના પર કોર્ટે તિહાર જેલ પ્રશાસનને કેજરીવાલના સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે પણ તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ ચિંતા હોય તો તમે કોર્ટમાં આવી શકો છો.
અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા અને તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ કોર્ટે કેજરીવાલને 5 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલે તબીબી કારણોને ટાંકીને 7 દિવસના જામીન માંગ્યા હતા. દરમિયાન, કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. હાલ કેજરીવાલ તિહાડ જેલમાં છે.