અમદાવાદ : ચોમાસા દરમિયાન વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાતા હોય છે. વૃક્ષો વવાયા બાદ તેની પુરી માવજત કરવામાં આવતી નહોવાથી વૃક્ષોના છોડવા મુરઝાઈ જતા હોય છે. સતત વધી રહેલા પ્રદુષણના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રદૂષણથી નાગરિકોને મુક્તિ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ ઘટાડવા અને ઓક્સિજનનો વ્યાપ ઘટાડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વન ઊભા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને શહેરના ગોતા વિસ્તારમાં જાપાનીઝ ટેક્નોલોજી મિયાવાકી પદ્ધતીથી ગોતામાં 65 હજાર વૃક્ષોનું ગાઢ જંગલ બનાવવામાં આવશે. જેની શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૃક્ષ વાવીને કરી હતી.
શહેરમાં ગોતા વિસ્તારમાં 40 હજાર વારથી પણ મોટા પ્લોટમાં કોર્પોરેશન દ્વારા 65 હજારથી વધારે ઝાડ વાવી જંગલ બનાવાઇ રહ્યું છે. જે માટે જાપાનીઝ ટેક્નોલોજી મિયાવાકી પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવશે. જાપાની મિયાવાકી પદ્ધતી અનુસાર 1-1 ફુટના અંતરે વૃક્ષો ઉગાડવામાં આવે છે. જેના કારણે ખુબ નાના વિસ્તારમાં વધારે ઝાડનો સમાવેશ તો થાય છે. પરંતુ તે સામાન્ય બગીચાની તુલનાએ આ ગાર્ડન ખુબ જ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. આ ઘનઘોર જંગલમાં હોય તેવા પ્રકારનો બગીચો બને છે. આ પાર્કમાં અલગ અલગ જાતિના ફૂલો અને વૃક્ષો ઉગાડવામાં આવે છે. શહેરમાં સતત વધી રહેલા કોંક્રિટના જંગલો વચ્ચે વનસ્પતીજન્ય જંગલો વધે તે ખુબ જરૂરી બન્યું છે. ઉચ્ચ ઓક્સિજન લેવલ માણસના શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગોતામાં બનાવાઇ રહેલા ગાર્ડનમાં વનમાં ખાખરા, વડ, નગોડ, પીપલ, ટીમરૂ, સિસમ જેવા અલગ અળગ પ્રજાતીના વૃક્ષો વાવી શકાય છે. અત્રે નોંધનીય છે કે, ઔડા અને કોર્પોરેશન ગ્રીન અને ક્લીન અમદાવાદ સંકલ્પ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલિયન ટ્રી અભિયાન ચલાવી રહ્યા છે.