નવી દિલ્હીઃ આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વના કરાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા.
બંને રાજ્યો વચ્ચેની સમજૂતી સરહદ પરના 123 ગામોને લગતા વિવાદનો અંત લાવશે.આ સમજૂતી ઐતિહાસિક દ્રષ્ટિએ,વહીવટી સુવિધા, સરહદની નિકટતા અને રહેવાસીઓની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બંને રાજ્ય સરકારો સંમત થયા છે કે આ વિવાદિત ગામોના સંબંધમાં આ કરાર આખરી હશે અને કોઈપણ રાજ્ય ભવિષ્યમાં કોઈપણ વિસ્તાર કે ગામને લગતો કોઈ નવો દાવો કરશે નહીં. કરાર બાદ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા બંને રાજ્યોની સરહદો નક્કી કરવા માટે વિગતવાર સર્વે કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે, આ સાથે આ બંને રાજ્યો વચ્ચે 700 કિલોમીટર લાંબો સરહદ વિવાદ જે દાયકાઓથી બાકી હતો, તે હવે સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે.તેમણે ઉમેર્યું હતું કે, બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા આંતર-રાજ્ય સીમા વિવાદનું સમાધાન એ વિકસિત, શાંતિપૂર્ણ અને સંઘર્ષ મુક્ત ઉત્તરપૂર્વની સ્થાપના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને અનુરૂપ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 2018 થી ભારત સરકારે પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપિત કરવા અને હિંસાનો અંત લાવવા માટે BRU, બોડો, કાર્બી આંગલોંગ અને આદિવાસી શાંતિ સમજૂતી સહિતના અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ગૃહમંત્રી શાહે માહિતી આપી હતી કે આ કરારોના પરિણામે સમગ્ર ઉત્તર પૂર્વમાં શાંતિ પ્રવર્તી રહી છે અને અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ સશસ્ત્ર યુવાનો હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારના પ્રયાસોને કારણે આજે સમગ્ર પૂર્વોત્તરમાં સર્વાંગી વિકાસ દેખાઈ રહ્યો છે અને આ સમગ્ર ક્ષેત્ર પ્રગતિના પંથે છે.